પડધરીના વનપરી અને બોડીઘોડી તેમજ લોધીકા પંથકમાં ખનીજચોરી ઉપર તવાઇ, 450 ટન રેતીના ઢગલા અને ડમ્પર સહીતના વાહનો કબજે
રાજકોટ જીલ્લામાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમ અને પડધરી પોલીસે એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરીને જિલ્લાના ત્રણ અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સફળ દરોડા દરમિયાન પડધરી તાલુકાના વણપરી ગામેથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતો એક ડમ્પર ચાલક રંગેહાથ ઝડપાઈ ગયો છે, જ્યારે લોધિકા તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સામેલ બે વાહનોને ડીટેઈન કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી સ્થાનિક ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ ચોરી અટકાવવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત રાજકોટ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ.પારગી અને તેમની ટીમને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે પડધરી તાલુકાના વણપરી ગામની સીમમાં, બોડી-ઘોડી રોડ સાઇડ નજીક મોટા પાયે સરકારી રોયલ્ટી ચૂકવ્યા વગર ગેરકાયદેસર રેતી ચોરીનું મોટું કારસ્તાન ચાલી રહ્યું છે. આ ચોક્કસ માહિતીના આધારે એસઓજીની ટીમે તુરંત જ સક્રિય થઈને બાતમીવાળા સ્થળે વહેલી સવારે ગુપ્ત રીતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી વગર પાસ-પરમિટ કે રોયલ્ટી ચૂકવ્યા વિના ગેરકાયદેસર રીતે સાદી રેતીનો સંગ્રહ કરી તેનું વહન કરી રહેલ એક ડમ્પર ઝડપાઈ ગયું હતું. પોલીસે ડમ્પરના ચાલક ધર્મેશભાઈ કાનાભાઈ ખુંગલા (ઉંમર વર્ષ 35, રહેવાસી- વણપરી) ની સ્થળ પર જ અટકાયત કરી હતી. એસઓજીની ટીમે આરોપી પાસેથી અંદાજે 200 ટન જેટલી બિનઅધિકૃત સાદી રેતીનો જથ્થો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલું ડમ્પર સહિતની તમામ મુદ્દામાલની મતા કબ્જે કરી કાયદેસરની કડક કાર્યવાહી શરૂૂ કરી છે.
એસઓજીની ટીમે માત્ર પડધરી જ નહીં, પરંતુ ખનિજ ચોરીના બીજા એક નેટવર્કને ધ્વસ્ત કરવા માટે લોધિકા તાલુકામાં પણ બીજો મોટો દરોડો પાડ્યો હતો. લોધિકા તાલુકાના પીપળીયા પાળ ગામની સીમમાં આવેલી વિજયપાલસિંહ બલવંતસિંહ ચુડાસમાની માલિકીની જમીનમાંથી કોઈપણ પ્રકારની વહીવટી મંજૂરી વિના ગેરકાયદેસર રીતે મોરમનું ખનન અને પરિવહન થતું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનાસ્થળેથી ખનન કાર્યમાં વ્યસ્ત એવા બે વાહનો અને એક જેસીબી મશીનને રંગેહાથ ઝડપી પાડી ડીટેઇન કર્યા હતા. પોલીસે આ સ્થળેથી કુલ મળીને રૂૂપિયા 70.50 લાખની કિંમતનો કિંમતી મુદ્દામાલ અને મશીનરી જપ્ત કરી છે. આ મામલે પણ સ્થાનિક ખાણ-ખનિજ વિભાગ અને લોધિકા પોલીસ સ્ટેશનને જાણ કરીને આગળની ધોરણસરની કાનૂની તપાસ અને દંડનીય વસૂલાતની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં કુદરતી સંસાધનોની ચોરી કરીને સરકારની તિજોરીને કરોડો રૂૂપિયાનું નુકસાન પહોંચાડતા તત્વો સામે પોલીસ અને ખાણ-ખનિજ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો એસઓજી દ્વારા આપવામાં આવ્યા છે. નદીના પટમાંથી કે સરકારી તેમજ ખાનગી જમીનોમાંથી પરવાનગી વગર થતું ખનન પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચાડે છે. એસઓજી દ્વારા કરવામાં આવેલી આ બેવડી સફળ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનિજ ચોરીના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સ્થાનિક નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી છે.
