રોંગ સાઇડમાં આવતા રિક્ષાચાલકે બોલાચાલી કરી
બોટાદમાં એસ.ટી. બસના ડ્રાઈવર પર હુમલો થયો છે. ભાંભણ રોડ પર હિફલી વિસ્તારમાં રીક્ષા ચાલકે લોખંડના પાઈપ વડે હુમલો કરતા ડ્રાઈવરને ઈજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એસ.ટી. બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા ઈંગોરાળાથી બોટાદ આવી રહ્યા હતા. બોટાદના ભાંભણ રોડ પર હિફલી વિસ્તારમાં પહોંચતા એક રીક્ષા ચાલક રોંગ સાઈડમાં આવતા તેમની સાથે બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલી ઉગ્ર બનતા રીક્ષા ચાલકે હરેશભાઈ પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. બોટાદ એસ.ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ બાવળીયાએ બોટાદની સરકારી હોસ્પિટલ ખાતેથી આ ઘટના અંગે માહિતી આપી હતી.
