રિક્ષા ગેંગ સક્રિય: વૃદ્ધને પેસેન્જર તરીકે બેસાડી ઊલટીનું બહાનું કરી 60 હજાર સેરવી લીધા

રિક્ષાચાલક અને તેના બે સાગરીતોએ પૂર્વયોજિત કાવતરું રચ્યું,આજીડેમ પોલીસ મથકે ગુનો નોંધાયો શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેસાડી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ ફરી એકવાર સક્રિય…

રિક્ષાચાલક અને તેના બે સાગરીતોએ પૂર્વયોજિત કાવતરું રચ્યું,આજીડેમ પોલીસ મથકે ગુનો નોંધાયો

શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેસાડી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જસદણ તાલુકાના ભંડારીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા 62 વર્ષીય વૃદ્ધ બટુકભાઈ ગોકળભાઈ સગપરીયા સાથે આજીડેમ ચોકડી નજીક આ ચોરીની ઘટના બની છે. ગઈકાલ તારીખ 15 મે 2026ના રોજ સવારે બટુકભાઈ પોતાના મોરબી રોડ પર રહેતા દીકરાઓને પૈસાની જરૂૂર હોવાથી ઘરેથી ₹60,000 રોકડા લઈને નીકળ્યા હતા.

તેઓ સવારે સવા નવેક વાગ્યાની આસપાસ આજીડેમ ચોકડી પાસે ટ્રાફિક ભવન નજીક ઉતર્યા હતા અને ત્યાંથી આગળ જવા માટે વાહનની શોધમાં હતા. તે દરમિયાન આજીડેમ પોલીસ ચોકી સામેથી પસાર થતી એક લીલા અને પીળા રંગના હુડવાળી સીએનજી રિક્ષાને તેમણે ઊભી રખાવી હતી. આ રિક્ષામાં અગાઉથી જ બે અજાણ્યા પુરુષો પેસેન્જર તરીકે પાછળની સીટમાં બેઠેલા હતા અને બટુકભાઈ પણ તેમની સાથે પાછળની સીટમાં ડાબી બાજુએ બેસી ગયા હતા. રિક્ષા ઉપડ્યાના આશરે પંદર મિનિટ બાદ જ્યારે રિક્ષા માજોઠી નગરના ખૂણા પાસે સર્વિસ રોડ પર પહોંચી, ત્યારે બાજુમાં બેસેલા એક અજાણ્યા શખ્સે અચાનક ઊલટી અને ઊબકા આવતા હોવાનો ઢોંગ શરૂૂ કર્યો હતો.

આ જોઈને રિક્ષાચાલકે તુરંત રિક્ષા ઊભી રાખી દીધી હતી અને બટુકભાઈને જણાવ્યું હતું કે, ’તમે અહીં નીચે ઉતરી જાઓ, નહીંતર આ ભાઈ તમારા પર ઊલટી કરી દેશે અને તમારા કપડાં બગાડશે’. રિક્ષાચાલકની વાત સાંભળીને વૃદ્ધ જેવા રિક્ષામાંથી નીચે ઉતર્યા કે તુરંત જ રિક્ષાચાલક પોતાના બંને સાગરીતોને લઈને ત્યાંથી ઝડપથી નાસી છૂટ્યો હતો. રિક્ષા ગયા બાદ વૃદ્ધને શંકા જતાં તેમણે પોતાના પેન્ટના જમણી બાજુના આગળના ખિસ્સામાં તપાસ કરી હતી. ખિસ્સામાં તપાસ કરતા જ તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે હાથરૂૂમાલમાં વીંટાળીને રાખેલા ₹60,000 રોકડા ગાયબ હતા.

રિક્ષામાં બેસેલા ગઠિયાઓએ ઊલટીનું બહાનું કરી વૃદ્ધનું ધ્યાન ભટકાવ્યું હતું અને નજરચૂકવીને ખિસ્સામાંથી ₹60,000ની ચોરી કરી લીધી હતી. ભોગ બનનાર વૃદ્ધે પોતાની રીતે આ રિક્ષાની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. અંતે, આજે તારીખ 16 મે 2026ના રોજ તેમણે પોતાના મોટા દીકરા સાથે આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચીને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. આજીડેમ પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે અજાણ્યા રિક્ષાચાલક અને તેના બે સાગરીતો વિરૂૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 303(2) અને 61(2) મુજબ પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી ચોરી કરવા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાને તપાસ સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *