શિશાંગમાં માથાભારે આગેવાનોના ત્રાસથી રિક્ષા ચાલકનો આપઘાત, બારોબાર અંતિમવિધિ?

અકસ્માતમાં સગીરનું મોત નિપજ્યા બાદ ભયંકર ત્રાસ ગુજારાતા ફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધો રાજકોટ નજીક કાલાવડ રોડ ઉપર કાલાવડ તાલુકામાં આવતા શિશાંગ ગામમાં એક રીક્ષા…

અકસ્માતમાં સગીરનું મોત નિપજ્યા બાદ ભયંકર ત્રાસ ગુજારાતા ફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધો

રાજકોટ નજીક કાલાવડ રોડ ઉપર કાલાવડ તાલુકામાં આવતા શિશાંગ ગામમાં એક રીક્ષા ચાલકે ગામના જ કેટલાક માથાભારે આગેવાનોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધાની અને ભયભિત પરિવારજનોએ પણ પોલીસને જાણ કર્યા વગર બારોબાર અંતિમવિધી કરી નાખ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે ત્યારે પોલીસ અને ખાસ કરીને રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાય આ ઘટનામાં ઉંડા ઉતરી તપાસ કરાવે તો મોટા ધડાકા થવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે.

આ ઘટનામાં કુટુંબના આધારસ્થંભ સમાન મોભી ગુમાવનાર પરિવારને રક્ષણી યોગ્ય ખાતરી આપી મદદ કરવામાં આવે તો પોલીસ ફરીયાદ નોંધાવવા પણ તૈયાર થઇ શકે તેમ છે તેવું ગ્રામજનોનું કહેવું છે.
સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ કાલાવડ રોડ ઉપર નિકાવા ગામ પાસે ચારેક દિવસ પહેલા એક અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર ઉભેલી છકડો રીક્ષા પાછળ એક સ્કુટર સવાર સગીર અથડાતા આ સગીરનું કરૂણ મૃત્યુ નિપજયું હતું.

પાંચેક દિવસ પહેલા સર્જાયેલા આ અકસ્માતમાં રોડ ઉપર રીક્ષા ઉભી રાખનાર રીક્ષા ચાલકની બેદરકારી બહાર આવી હતી. ઘટનાના બે દિવસ બાદ શિશાંગ ગામના રીક્ષા ચાલકને તેજ ગામના કેટલાક આગેવાનોએ કિશોરના મૃત્યુ માટે જવાબદાર ઠેરવી ધોલ ધપાટ કરી હતી અને ધાકધમકી આપતા ગભરાયેલા રીક્ષા ચાલકે આજે સવારે પતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

અચાનક રીક્ષા ચાલકે આપઘાત કરી લેતા ગામમાં ભારે દોડધામ મચી ગઇ હતી અને ગામના કહેવાતા આગેવાનોના ડરના માર્યા આપઘાત કરનાર રીક્ષા ચાલકના પરિવારજનોએ પણ પોલીસને જાણ કરી ન હતી.
બીજી તરફ ગામના જ આગેવાનોએ સાથે રહી બારોબાર મૃતકની અંતિમવિધી કરાવી નાખ્યાની ગંભીર હકિકતો બહાર આવી છે.

આ ઘટનામાં આપઘાત કરનાર રીક્ષા ચાલક અને આગેવાનો એક જ ગામના હોય કહેવાતા આગેવાન સામે ભુતકાળમાં અનેક ગંભીર ગુના પણ નોંધાયેલ હોવાથી અકસ્માતની ઘટના બાદ રીક્ષા ચાલકનો પરિવાર ફફડી ઉઠયો હતો. સતત ભય અને ટોર્ચરના કારણે રીક્ષા ચાલકે જીવ પણ ટુંકાવી દીધો છે અને સમગ્ર ઘટના દબાવી દેવામાં આવી હોવાની ચર્ચા છે ત્યારે પોલીસ આ કિસ્સામાં ઉંડી ઉતરે તો ઘણી ચોંકાવનારી હકિકતો બહાર આવવાની શકયતા ગ્રામજનો દર્શાવી રહ્યા છે. જો કે ગ્રામજનો પણ ભયના માર્યા મોઢુ ખોલવા તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *