ઘરેથી ભાગેલી ધો. 10ની છાત્રા પર બસપોર્ટમાં રિક્ષાચાલકના અડપલા

રાજકોટ આવી બાળાએ મિત્રને ફોન કરી સાથે ભાગવાનું કહેતા મિત્ર ન મળ્યો એટલે એસટી બસપોર્ટ પહોંચી હતી જંગલેશ્ર્વરના રિક્ષાચાલકે બાળાને ટિકિટ કરી આપી, મોબાઈલ નંબરની…

રાજકોટ આવી બાળાએ મિત્રને ફોન કરી સાથે ભાગવાનું કહેતા મિત્ર ન મળ્યો એટલે એસટી બસપોર્ટ પહોંચી હતી

જંગલેશ્ર્વરના રિક્ષાચાલકે બાળાને ટિકિટ કરી આપી, મોબાઈલ નંબરની આપ-લે કરી : છેલ્લે કુટુંબીજનો જોઈ જતાં બાળાને રાવકી ઉતારી પલાયન થયેલો શખ્સ સકંજામાં

રાજકોટ જીલ્લાના એક ગામમાં રહેતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષની છાત્રા ઘેરથી ભાગી નીકળ્યા બાદ રાજકોટ પહોંચી પોતાના મિત્રને ફોન કરી પોતાની સાથે ભાગી જવાનું કહેતાં મિત્રએ ના પાડતાં તે રાજકોટ એસટી બસ સ્ટેશને આવી હતી. અહિંથી તેણીને નાસિક જવું હોઇ એક સિકંદર નામના રિક્ષાવાળાએ તેણીને એસટી નહિ મળે લીમડા ચોકથી બસ મળશે તેમ કહી તેના વાંસામાં હાથ ફેરવી જાતીય સતામણી કરતાં અને બાદમાં લીમડા ચોકમાં લાવી સુરતની ટીકીટ કરાવી દીધા બાદ તેણીને હું તને નોકરી અપાવીશ, તું અત્યારે સુરત ન જતી પણ વચ્ચે ગામ આવે ત્યાં ઉતરજે અને ફોન કરજે અને દિલ્હી જતી રહેજે તેવી વાતો કરતાં પોલીસે ગુનો દાખલ કરી જંગલેશ્વરના શખ્સને સકંજામાં લીધો છે.

આ ઘટનામાં રાજકોટના એક ગામે બાળાના પિતાની ફરિયાદને આધારે સિકંદર નામના શખ્સ વિરૂૂધ્ધ ફરિયાદ દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ શરૂૂ કરી છે.ફરિયાદીએ જણાવ્યું છે કે,ગત 28/1ના રોજ અમારે કુટુંબમાં પ્રસંગ હોઇ જેથી દિકરી ઘરે આવી હતી. 10/2ના રોજ તે ઘરે હાજર ન મળતાં અમે શોધખોળ કરી હતી પણ પત્તો મળ્યો નહોતો.આ દરમિયાન 10/2ના રાતે દિકરીએ મને ફોન કરી કહેલું કે હું રાજકોટ છું અને મને રાવકી ગામેથી તેડી જાવ. આથી અમે રાવકી પહોંચતા ત્યાં દિકરી મળી હતી.

આ પછી અમે દિકરીને ઘરેથી કયાં ગઇ હતી? તે વિશે પુછતાં તેણીએ કહ્યું હતું કે-મારો ફ્રેન્ડ જામકંડોરણા તરફ રહે છે તેને મેં ફોન કરી માધાપર ચોકડીએ આવવા અને ત્યાંથી બંને ભાગી જઇએ તેવું કહ્યું હતું. પરંતુ મિત્રએ ભાગવાની કે રાજકોટ આવવાની ના પાડી દીધી હતી. મારે ઘરે આવવું ન હોઇ અને નાસિક સગાના ઘરે જતું રહેવું હોઇ જેથી હું રિક્ષામાં બેસી રાતે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી.ત્યાં એક દાઢીવાળો શખ્સ આવ્યો હતો. જેણે મને બહેન તમારે કયાં જવું છે? પુછતાં મેં તેને કહેલું કે મારે ગોડલ-નાસિક રૂૂટની બસમાં બેસી નાસિક જવું છે. આથી તેણે કહેલું કે-બસ હવે નહિ હોય.તું અહિથી સુરત જતી રહે, ત્યાંથી નાસિકની બસ મળી જશે.

આ પછી મારી પીઠ પાછળ વાંસામાં હાથ ફેરવી કહેલું કે-તું હજી અહિ કેમ ઉભી છો? જેથી કહેલું કે બસ ફુલ છે. આથી તેણે હું તને લીમડા ચોક લઇ જાવ, ત્યાંથી બસ મળી જશે. તેમ કહેતાં હું તેની રિક્ષામાં બેસી લીમડા ચોક જવા નીકળી હતી.ત્યાં એક સીટ ખાલી છે તેવુ કહેવાતાં મેં ટિકીટ લીધી હતી.ત્યારે મેં તેનું નામ પુછતાં તેણે સિકંદર જણાવ્યું હતું.બાદમાં મને કહેલું કે-હું તને નોકરી અપાવીશ. તું આ બસમાં બેસીને સુરત ન જતી પણ હું કહું એ ગામમાં જતી રહેજે અને ત્યાંથી તું દિલ્હી જતી રહેજે. તને બસ ન મળે તો મને ફોન કરજે.ત્યાંથી નાસિકની બસ કરાવી આપીશ તેમ કહ્યું હતું.

તેમજ નાસિક રહેતાં મામાને પણ ફોન કરીને હું નાસિક આવુ છું તેમ કહેતાં તેણે આ પછી મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. તે વખતે હું રિક્ષામાં જ બેઠી હતી. ત્યાં જ મારા કુટુંબી ભાઇઓ પણ આવી ગયા હતાં. જેથી મેં સિકંદરને કહેલું કે તમે રિક્ષા ભગાવો. આથી તે રિક્ષા ચાલુ કરી નવાગામ તરફ લઇ ગયો હતો.છેલ્લે પછી મને કહેલું કે તારે તારા ઘરેથી ભાગવું હોય ત્યારે મને કહેજે, આપણે બસ સ્ટેશનથી અહિ સુધી જે વાત થઈ તે તારા ઘરનાને ન કહેતી તેમ કહી સિકંદર રાવકી ઉતારી જતો રહ્યો હતો.આ મામલે પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ ડી. વાય. મહંતે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જંગલેશ્વરના સિકંદરને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

રિક્ષાચાલક સિકંદર દિલ્હીમાં તે સગીરાને કોની પાસે શા માટે મોકલવાનો હતો?
આ ઘટનામાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,સગીર પુત્રીને શોધ રહ્યા હતા ત્યારે અમે લીમડા ચોકમાં આવી જતાં સગીર દીકરીના કહેવાથી સિકંદરે રિક્ષા ભગાવ્યા બાદ તેણીના કહેવાથી જ તેને રાવકી ગામ પાસે ઉતારી દઇ જ્યારે પણ તારે ભાગવું હોય તો મારો સંપર્ક કરજે તેવું કહી સિકંદર ભાગી જતાં આ શખ્સનો ઇરાદો શું હતો? દિલ્હીમાં તે સગીરાને કોની પાસે શા માટે મોકલવાનો હતો? તેની તપાસ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *