10,000થી વધુ મહેસૂલી કર્મચારીની રાજ્યવ્યાપી હડતાળથી રેવન્યુ તંત્ર ઠપ્પ

ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને તણાવ વધ્યો છે. બઢતી-બદલી, જોબચાર્ટ સહિતની 14 જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા…

ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને તણાવ વધ્યો છે. બઢતી-બદલી, જોબચાર્ટ સહિતની 14 જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા મહેસૂલ કર્મચારી મહામંડળે આંદોલનની જાહેરાત કરી છે. આશરે 10000થી વધુ કર્મચારીઓ દ્વારા આજે સામૂહિક રજા એટલે કે માસ ઈક પર જવાનો નિર્ણય લઇને કલેકટર કચેરીઓએ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. સાથે જ, જો સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે.

મહેસૂલ કર્મચારીઓના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કારકૂનોના વિવિધ પડતર પ્રશ્નો અંગે એક જ વર્ષમાં સરકાર સમક્ષ 38 વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં અસંતોષ વધ્યો છે. ખાસ કરીને બઢતી, બદલી અને જોબચાર્ટ જેવા મુદ્દાઓને લઈને કર્મચારી સંગઠન દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. હવે કર્મચારીઓ આ મુદ્દે આરપારની લડાઈ લડવાના મૂડમાં હોવાનું સંગઠનનું કહેવું છે.

જો મોટી સંખ્યામાં મહેસૂલી કર્મચારીઓ માસ ઈક પર જાય અથવા 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂૂ થાય, તો રાજ્યભરની મહેસૂલ સંબંધિત કામગીરી પર અસર પડવાની શક્યતા છે. મામલતદાર કચેરીઓ, કલેક્ટર કચેરીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી કામગીરી ખોરવાઈ શકે છે. ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોના જમીન સંબંધિત કામો, વિવિધ પ્રમાણપત્રો, દસ્તાવેજ પ્રક્રિયા સહિતની સેવાઓમાં વિલંબ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહેસૂલી કર્મચારીઓના આંદોલનને કારણે આગામી દિવસોમાં સરકારી કામગીરી પર તેની અસર કેટલી થાય છે તેના પર સૌની નજર છે. એક તરફ કર્મચારીઓ 14 જેટલી પડતર માંગણીઓના ઉકેલ માટે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી રહ્યા છે, જ્યારે બીજી તરફ સરકાર દ્વારા ફરજ પર હાજર રહેવા અને ગેરહાજરી બદલ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. હવે સરકાર કર્મચારી સંગઠન સાથે વાતચીત કરીને કોઈ મધ્યમ માર્ગ શોધે છે કે પછી 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂૂ થાય છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

કર્મચારી મંડળોએ રોકડું પરખાવ્યું છે કે આજની માસ સીએલ તો માત્ર ટ્રેલર છે. જો સરકાર તાત્કાલિક પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં લાવે તો આગામી બુધવારથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂૂ કરી દેવાશે.તો બીજી તરફ તહેવારોની તૈયારીઓ વચ્ચે કચેરીઓના ધરમધક્કા ખાવા મજબૂર બનેલા નાગરિકો માટે આ વહીવટી મડાગાંઠ માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.આ સામૂહિક રજાના પગલે ખાસ કરીને મહેસૂલ તંત્રની દૈનિક કામગીરી પર વહીવટી દબાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને જમીન મિલકત સંબંધિત અરજીઓનો નિકાલ, રેકોર્ડ સુધારણા અને અન્ય પ્રજાલક્ષી કામગીરીમાં વિલંબની ભીતિ સેવાઈ રહી છે.

હડતાળ તોડવા ‘સર્વિસ બ્રેક’ની કાર્યવાહી કરવા કલેકટરોને આદેશ
કર્મચારીઓના માસ ઈકના એલાન બાદ રાજ્ય સરકાર પણ સક્રિય બની છે. મહેસૂલ વિભાગે જિલ્લા કલેક્ટરોને કર્મચારીઓ સોમવારે નિયમિત રીતે ફરજ પર હાજર રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. સરકાર દ્વારા એવી ચીમકી આપવામાં આવી છે કે માસ ઈક પર જતા કર્મચારીઓ સામે ’સર્વિસ બ્રેક’ સહિતની વહીવટી અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી શકે છે. જોકે, કર્મચારી સંગઠનનું કહેવું છે કે તેમણે અગાઉથી રજા અંગેના રિપોર્ટ આપી દીધા છે અને સરકારની ચીમકી છતાં તેઓ પોતાના નિર્ણય પર અડગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *