શહેરના યુનિવર્સિટી રોડ પર બંસરી સોસાયટીમાં રહેતાં અને પોતાનો કલ્કી અવતાર તરીકે ઓળખાવતાં અને અવારનવાર વિવાદમાં આવેલા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેર રમેશભાઈ રવજીભાઈ ફેફર (ઉ.60)એ એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રમેશચંદ્ર ફેફરે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્ની અને પુત્ર બન્ને વિદેશ રહેતાં હોય છેલ્લા ઘણા વખતથી એકલવાયુ જીવન જીવતાં અને પોતાને ભગવાન વિષ્ણુનો 10મો કલ્કી અવતાર માનનારા રમેશચંદ્ર ફેફરે અંતે પોતાની એકલવાઈ જીંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી.
અવારનવાર વિવાદમાં આવેલા રમેશચંદ્ર ફેફર કે જેઓ પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી અવાતર માનતા હતાં અને અવારનવાર વડાપ્રધાન તેમજ ચંદ્રયાન, રાહુલ ગાંધી અને પરશુરામ ભગવાન ઉપર ટીપ્પણી કરીને વિવાદમાં આવ્યા હતાં. વડોદરામાં સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીમાં અધિક ઈજનેર તરીકે ફરજ બજાવી ચુકેલા રમેશચંદ્ર ફેફરે આશરે ચારેક વર્ષ પૂર્વે માત્ર ફરજના 16 દિવસ નોકરી પર હાજર રહ્યા બાદ તેઓ સતત ગેરહાજર રહેતાં હોય જેના કારણે તેમને નોટિસ આપવામાં આવી હતી. આ કારણદર્શક નોટિસમાં રમેશચંદ્ર ફેફરે જે તે વખતે પોતાને વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર એટલે કલ્કી અવતાર ગણાવ્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુર્યોધનનો અવતાર ગણાવ્યો હતો.
પોતાની ફરજ દરમિયાન છ વખત વી.આર.એસ.માટે અરજી કરનારા રમેશચંદ્ર ફેફરની સરકારે અરજી સ્વિકારી ન હતી. ગેરહાજર રહેવા બદલ નિગમે 15 મે 2018નાં રોજ તેમને નોટિસ ફટકારી હતી. ત્યારે તેમણે આ નોટિસના જવાબમાં પોતે કલ્કી અવતાર છું અને માયાની પેલે પાર બ્રહ્ળ સાથે એક થઈ જવાની અવસ્થમાં રહીને સાધના કરીને વૈશ્ર્વીક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરું છું. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકું નહીં. આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી તેવો જવાબ રજુ કર્યો હતો.
થોડા વખત પૂર્વે ભગવાન પરશુરામ વિશે ટીપ્પણી કરવા બદલ બ્રહ્મસમાજ દ્વારા રમેશ ફેફર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અવારનવાર વિવાદમાં રહેતા રમેશ ફેફર સામે સંતો અને નેતાઓ પણ ભારે રોષ હતો. એકલવાયા જીવનથી કંટાળી અંતે રમેશ ફેફરે પોતાની જીવનલીલા સંકેલી લેતાં ભારે ચકચાર જાગી છે. રાજકોટ સ્થિત પોતાના ઘરે મોડીરાત્રે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
