ઉપલેટામાં એટીએમ કાર્ડ બદલાવી નિવૃત્ત રેલવે કર્મચારી સાથે રૂા.4.35 લાખની ઠગાઈ

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા શહેરમાં એક નિવૃત્ત રેલ્વે કર્મચારી સાથે એટીએમ કાર્ડની અદલાબદલી કરી રૂૂ. 4,35,949 ની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં…

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા શહેરમાં એક નિવૃત્ત રેલ્વે કર્મચારી સાથે એટીએમ કાર્ડની અદલાબદલી કરી રૂૂ. 4,35,949 ની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉપલેટાના ભગવતી પાર્ક-2 માં રહેતા અને રેલ્વેમાંથી નિવૃત્ત થયેલા 60 વર્ષીય સેવાદાસ રામકૃષ્ણ ગોંડલીયા ગત 17 સપ્ટેમ્બરના રોજ જેરામભાઇ હોલ પાસે આવેલ એસ.બી.આઇ.ના એટીએમ મશીનમાંથી નાણાં ઉપાડવા ગયા હતા. ત્યાં મશીનમાંથી પૈસા ન નીકળતાં તેમણે અન્ય એટીએમ મશીને જવાનું નક્કી કર્યું હતું.

તે સમયે ત્યાં હાજર એક અજાણ્યા શખસે પણ પોતાની પાસે અન્ય એટીએમ મશીન તરફ જવું હોવાનું કહી ફરિયાદીની મોટરસાઇકલ પાછળ બેસી ગયો હતો. ત્યારબાદ બંને કોલકી રોડ પર આવેલા ટેલીફોન એક્સચેન્જ બાજુના એસ.બી.આઇ. એટીએમ સેન્ટરે પહોંચ્યા હતા.

કોલકી રોડ પરના એટીએમમાં સેવાદાસભાઈએ પોતાના કાર્ડમાંથી રૂૂ. 4,000 અને ત્યારબાદ રૂૂ. 1,000 એમ કુલ રૂૂ. 5,000 ઉપાડ્યા હતા. તેઓ પોતાના પૈસા ખીસ્સામાં મુકતા હતા ત્યારે તેમની પાછળ ઉભેલા અજાણ્યા શખસે “આ લ્યો તમારું એટીએમ કાર્ડ” કહીને એક કાર્ડ હાથમાં પકડાવી દીધું હતું. ફરિયાદીએ ચકાસ્યા વગર જ કાર્ડ ખીસ્સામાં મુકી લીધું હતું અને અજાણ્યો શખ્સ ત્યાંથી રવાના થઈ ગયો હતો. ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી પોતાના ભાણેજ ભાવેશ કાપડી સાથે રાજકોટ ખાતે ટીવીની ખરીદી કરવા ગયા હતા. ત્યાં પૈસા ઉપાડવા જતાં એટીએમ કાર્ડ કામ કરતું ન હતું. કાર્ડ ચકાસતાં માલૂમ પડ્યું હતું કે તેમની પાસે રહેલું એટીએમ હિતેશકુમાર વાઘેલાના નામનું હતું. આ અંગે શંકા જતાં મોબાઇલના મેસેજ અને બેંક સ્ટેટમેન્ટ તપાસતાં 17 થી 27 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ જગ્યાએથી કુલ રૂૂ. 4,35,949 ઉપાડી લેવાયા હોવાનો ખુલાસો થયો હતો.

પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં નિવૃત્ત કર્મચારીએ તુરંત પોતાનું કાર્ડ બ્લોક કરાવ્યું હતું અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(2), 317 અને આઇ.ટી. એક્ટની કલમ 66(સી) હેઠળ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ. એમ. ધાધલે આ કેસની આગળની તપાસ સંભાળી છે અને એટીએમ સેન્ટરોના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અજાણ્યા ઠગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *