અકસ્માતમાં ત્રણ ઘવાયા, ઘવાયેલાઓને હોસ્પિટલે ખસેડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ઝેઝરી ખાતે સવા મહિનાની ઝીયારતથી વારાહી પરત ફરતી વખતે બની હતી. મૃત્યુ પામનાર વ્યક્તિ રિટાયર્ડ નાયબ મામલતદાર એમદખાન અલીખાન મલેક (ઉ.વ. 64, રહે. વારાહી, પાટણ જિલ્લો) હતા. અકસ્માતની જાણ થતાં જ દસાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકની પત્ની પણ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઘાયલોમાં હયાતખાન હુસેનખાન મલેક (ઉ.વ. 43, રહે. ખેરવા, સુરેન્દ્રનગર જિલ્લો) અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. મૃતક રિટાયર્ડ નાયબ મામલતદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતકના સગાં-સંબંધીઓ પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ બીટ જમાદાર જયંતિભાઈ લેચીયા આ અકસ્માત અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
