અમૂલ બાદ ડેરી મર્ચન્ટ એસો.એ પણ દૂધના ભાવ વધાર્યા, અડધી ચાના રૂા.18 અને આખીના રૂા.35
દેશની સૌથી મોટી સહકારી ડેરી અમૂલે દૂધના ભાવમાં લીટરે રૂા.4 સુધીનો વધારો કર્યા બાદ આજથી ખાનગી ડેરીના સંચાલકોએ દૂધના ભાવમાં લીટરે રૂા.2 થી રૂા.4નો વધારો કર્યો છે. તો દૂધના ભાવ વધતા ચાની ચુસ્કી પણ મોંઘી બની છે અને અડધી ચાના ભાવમાં રૂા.3 તથા આખી ચાના ભાવમાં રૂા.5નો વધારો કરી દીધો છે.
ડેરી મર્ચેન્ટ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટમાં 650 ડેરીમાં છૂટક 3 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. ચાર ફેટથી વધુના દૂધમાં 4 રૂૂપિયાનો વધારો કરાયો છે. 4 ફેટ સુધીના દૂધમાં 2 રૂૂપિયાનો વધારો કર્યો છે. 4 ફેટ સુધીનું દૂધ જે 30થી 35 રૂૂપિયામાં મળતું હતું તે હવે 32થી 37 રૂૂપિયા સુધી મળશે. 4થી 6 ફેટ સુધીના દૂધનો ભાવ વધીને 62થી 70 રૂૂપિયા સુધી થયો છે.
ડેરી મર્ચન્ટ એસોસિએશનનાં પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે અમૂલ ડેરીએ કરેલા ભાવ વધારાને ધ્યાનમાં રાખીને રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો છે. હાલમાં 4 ફેટની આસપાસના દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂૂ. 2નો વધારો, 4 ફેટથી ઉપરના દૂધમાં રૂૂ. 4 નો વધારો અને દહીંમાં રૂૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં ગામડાની પરિસ્થિતિ ખરાબ હોવાથી દૂધની આવકમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો કરવો પડ્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે રાજકોટમાં દૂધ વેચનાર એસોસિએશન છેલ્લા 28 વર્ષથી કાર્યરત છે અને કાયમી ધોરણે માલધારીઓ તેમજ ગ્રાહક વર્ગનું હિત ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવે છે. આજની તારીખે ખાનગી ડેરીઓ ગામડે સહકારી ડેરી કરતાં પ્રતિ કિલો ફેટ 75 પૈસા ભાવ ઊંચો આપે છે.તેમજ 21 તારીખથી 10 પૈસાનો વધારો કરીને 85 પૈસા ભાવ ઊંચો આપવામાં આવશે, જેથી માલધારીઓને રાહત મળે. જ્યારે વેચાણ ભાવમાં સહકારી ડેરી કરતાં કાયમી ધોરણે રૂૂ. 2 નીચો ભાવ રાખવામાં આવે છે, જેથી ગ્રાહક મિત્રોને સરળતા રહે અને માલધારી સમાજને પણ રાહત થાય. રાજકોટમાં આશરે 650 જેટલી ડેરીઓ આવેલી છે. તેમજ અંદાજે 3 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. આગામી સમયના ભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શિયાળો જાણે આવ્યો નથી તે રીતે દૂધની અછત જોવા મળી રહી છે. જો દૂધ ઘટશે તો આવનારા દિવસોમાં કદાચ ફરીથી ભાવ વધારો થાય તેવી પૂરતી શક્યતા છે.
દૂધના ભાવ વધારાના પગલે ચાના ભાવમાં પણ વધારો આવ્યો છે. ચાના કીટલાવાળાઓએ આજથી જ અડધી ચાના રૂા.15 થીછ વધારી રૂા.15 અને આખી ચાના રૂા.30 થી વધારી 35 કરી નાખ્યા છે. આજે ચાના વેપારીઓની બેઠક મળનાર છે. તેમાં આ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સિંગતેલના ડબ્બામાં ફરી વધારો થતા ભાવ રૂા.3130એ પહોંચ્યો
રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. 15 કિલોના ડબ્બે ₹20નો ભાવ વધારો થતાં સિંગતેલનો નવો ભાવ ₹3,130 થયો છે. ચાલુ વર્ષે સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલો પણ મોંઘા રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા અને ગૃહિણીઓના રસોડાના બજેટ પર ફરી એકવાર બોજ વધ્યો છે. સૌરાષ્ટ્રના મુખ્ય તેલ બજાર એવા રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બે ₹20નો ભાવ વધારો થતાં નવો ભાવ વધીને ₹3,130 રૂૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.
