20 વર્ષથી રસ્તાના કામો ન થતાં ભારે રોષ : વહીવટી તંત્ર સામે સૂત્રોચ્ચાર
ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8 માં આવતા અશ્વિન ટોકીઝ અને રબારી વાસ વિસ્તારના રહીશોએ નગરપાલિકાના તંત્ર સામે બાયો ચડાવી છે. છેલ્લા બે દાયકાથી આ વિસ્તારમાં પાકા રસ્તાઓનું નિર્માણ ન થયું હોવાથી અને ખોદકામ બાદ રસ્તાઓ એમ જ પડતર મુકાતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. ગંદકી અને પાયાની સુવિધાઓના અભાવે કંટાળેલા લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિકોનો મુખ્ય આરોપ છે કે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા અને ચીફ ઓફિસરને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આ સાથે આક્ષેપ છે કે સત્તાધીશો ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે, છતાં સફાઈ અભિયાન માત્ર કાગળ પર જ હોવાનું પ્રતીત થાય છે.
આક્રમક મિજાજમાં રહીશોએ જણાવ્યું કે, અન્ય વોર્ડમાં વિકાસના કામો ચાલુ છે, જ્યારે વોર્ડ નં. 8 સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. આ રસ્તા માટે 80 લાખ રૂૂપિયા જેવી માતબર રકમ મંજૂર થઈ હોવા છતાં કામગીરી શૂન્ય છે તેવું જણાવ્યું હતું.
દેખાવકારોએ સરકાર અને સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને જો આગામી દિવસોમાં રસ્તાનું કામ શરૂૂ નહીં થાય, તો રહીશો રસ્તા પર દીવાલ ચણીને અવરજવર બંધ કરી દેશે આ ઉપરાંત આ બાબતમાં મોટી સંખ્યામાં મહિલાઓ, વૃદ્ધો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા ત્યારે તંત્રની આ ઘોર નિદ્રા સામે હવે લોકો આરપારની લડાઈ લડવાના મૂડમાં જણાઈ રહ્યા છે.
