ચોટીલાના નાના પાળિયાદમાં રહીશોને પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના પાળિયાદ ગામે ચોટીલા હાઇવે નજીક, મેક્સ હોટલ અને મેઘનાથ ઓટો ઇલેક્ટ્રિકની બાજુમાં આવેલ હાઇવે રોડ નજીકની નાના પાળિયાદ ગ્રામ પંચાયતની…

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના પાળિયાદ ગામે ચોટીલા હાઇવે નજીક, મેક્સ હોટલ અને મેઘનાથ ઓટો ઇલેક્ટ્રિકની બાજુમાં આવેલ હાઇવે રોડ નજીકની નાના પાળિયાદ ગ્રામ પંચાયતની પ્લોટ સોસાયટી વિસ્તારના રહીશો આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે.અગાઉ ચાર-પાંચ દિવસ પહેલાં મીડિયાના માધ્યમથી આ વિસ્તારની સમસ્યાનો અહેવાલ રજૂ કરાતાં તંત્ર સફાળું જાગ્યું હતું અને ગણતરીના કલાકોમાં ગટરનું તૂટેલું ઢાંકણું બદલી દેવામાં આવ્યું હતું. પરંતુ સોસાયટી વિસ્તારની મુખ્ય અને કાયમી સમસ્યાઓનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આ વિસ્તાર ચોટીલા નગરપાલિકા અને હાઇવેથી બિલકુલ નજીક હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા અહીં ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે.

આજે સોસાયટી વિસ્તારની મહિલાઓ અને રહીશોએ એકઠા થઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક બહેનોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીની અનિયમિતતા, ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાઓને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી મંત્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા માત્ર વચનો જ આપવામાં આવે છે, કોઈ કાયમી કામગીરી કરવામાં આવતી નથી.

સોસાયટીના રહીશો અને બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પંચાયત દ્વારા પાણી અને ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો તમામ રહીશો અને મહિલાઓ સાથે મળીને ચોટીલા તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીએ જઈ ઉગ્ર આંદોલન અને ધરણાં કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *