વર્ણ વ્યવસ્થા પણ અનિવાર્ય ગણાવતા સ્વામી સદાનંદ સરસ્વતી, ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી
ભોળા આદિવાસીઓને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવાઇ રહ્યું છે
શંકરાચાર્યએ આદિવાસી વિસ્તારોમાં વધી રહેલા ધર્માન્તરણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભોળા આદિવાસીઓને વિવિધ પ્રલોભનો આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.
પંચમહાલની પવિત્ર ગણાતી ગૌધરા (ગોધરા)ની ધરતી પરથી સનાતન ધર્મના રક્ષણ અને ઉત્થાન માટે એક મોટો હુંકાર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી પંચમહાલના પ્રવાસે આવેલા દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગોધરાની ધર્મસભામાં ગાય માતાને ’રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ કરી છે.
લુણાવાડાના બાવન પાટીદાર સમાજ ઘર હોલ ખાતે આયોજિત ધર્મસભામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ભૂદેવો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં જગદગુરુએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મ એ માત્ર પરંપરા નથી પણ જીવન જીવવાની એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. આ પ્રસંગે ચૈતન્ય શંભુ મહારાજે પણ સનાતન મૂલ્યો પર ભાર મૂકતું પ્રેરક ઉદબોધન આપ્યું હતું.
શંકરાચાર્યજીએ આદિવાસી વિસ્તારોમાં વધી રહેલા ધર્માન્તરણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભોળા આદિવાસીઓને વિવિધ પ્રલોભનો આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જે અટકાવવું અત્યંત અનિવાર્ય છે. આ હેતુથી જ તેઓ પોતે આદિવાસીઓ વચ્ચે જઈ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, જેથી કરીને લોકો પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે.
વર્તમાન સમયમાં ચાલતી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા શંકરાચાર્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિમાં વર્ણ વ્યવસ્થા અનિવાર્ય છે. લોકો ભલે ગમે તેટલી બૂમો પાડે કે વર્ણ વ્યવસ્થા દૂર થવી જોઈએ, પરંતુ તે શક્ય નથી. મહત્વનું એ છે કે, વર્ણ વ્યવસ્થામાં દરેક વ્યક્તિએ એકબીજાના વર્ણનું સન્માન કરવું જોઈએ.
તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, જેમ કેરીનું ફળ કેરીના ઝાડ પર જ જન્મે અને નષ્ટ થાય છે, તે ક્યારેય જામફળ બની શકતું નથી; તેમ મનુષ્ય જે ધર્મ અને જાતિમાં જન્મ્યો હોય તે જ ધર્મમાં રહેવું જોઈએ. ધર્મનું પરિવર્તન અશક્ય છે. ઈશામસીહના અસ્તિત્વને 2025 વર્ષ થયા છે, જ્યારે સનાતન ધર્મ તો સૃષ્ટિના આરંભથી છે. આપણા પૂર્વજો શ્રી રામ અને શ્રી કૃષ્ણ છે, માટે મૂળ ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ.
ગોધરાનું નામ જેનો અર્થ ’ગાયોની ધરા’ થાય છે, ત્યાંથી શંકરાચાર્યએ ગૌરક્ષા માટે હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગાય એ માત્ર પશુ નથી પણ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. જો તેને રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવે, તો જ તેની સાચા અર્થમાં રક્ષા થઈ શકશે. પાંચ દિવસીય પ્રવાસના અંતે શંકરાચાર્યના આ કડક અને સ્પષ્ટ વલણને કારણે સમગ્ર પંથકમાં સનાતન ધર્મ અને ગૌરક્ષાને લઈને નવી ચેતનાનો સંચાર થયો છે.
