રિલાયન્સ પાંચ વર્ષમાં કરશે રૂા.7 લાખ કરોડનું રોકાણ: મુકેશ અંબાણી

જામનગરમાં વિશ્ર્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના, અમદાવાદ ઓલિમ્પિક વિઝનને ટેકો આપવા રિલાયન્સ ફાઉન્ડેશન જોડાશે જામનગરમાં સૌથી મોટું સંકલિત ગ્રીન એર્ન્જી ઇકોસિસ્ટમ અને દેશનું મોટુ એઆઇ-રેડી ડેટા સેન્ટર,…

જામનગરમાં વિશ્ર્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના, અમદાવાદ ઓલિમ્પિક વિઝનને ટેકો આપવા રિલાયન્સ ફાઉન્ડેશન જોડાશે

જામનગરમાં સૌથી મોટું સંકલિત ગ્રીન એર્ન્જી ઇકોસિસ્ટમ અને દેશનું મોટુ એઆઇ-રેડી ડેટા સેન્ટર, કચ્છમાં મલ્ટીગીગાવોટ સોલાર પ્રોજેક્ટ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાત માટે પાંચ મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ ગુજરાતની ઓળખ છે અને ગુજરાત એ રિલાયન્સનું હૃદય છે. આ પ્રસંગે તેમણે રાજ્યના વિકાસ માટે રિલાયન્સની કટિબદ્ધતાને “સંકલ્પ” તરીકે જાહેર કરી હતી.

રિલાયન્સ અત્યાર સુધી ગુજરાતમાં સૌથી મોટું રોકાણકાર રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ રૂૂ. 3.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે, જેને આગામી પાંચ વર્ષમાં બમણું કરીને રૂૂ. સાત લાખ કરોડ કરવામાં આવશે. જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે.

(1) જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું સંકલિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સોલર, ગ્રીન હાઇડ્રોજન અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ જેવા ઉદ્યોગોનો સમાવેશ થશે. જામનગર હવે હાઇડ્રોકાર્બનને બદલે ગ્રીન એનર્જીનું મોટું નિકાસકાર બનશે.

(2) કચ્છમાં મલ્ટી-ગીગાવોટ ક્ષમતા ધરાવતો સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે, જે ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વનું યોગદાન આપશે.

(3) જામનગરમાં ભારતનું સૌથી મોટું AI-રેડી ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે. જિયો દ્વારા એક ખાસ ’ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ લોન્ચ કરાશે, જેનો પ્રારંભ ગુજરાતથી થશે, જેથી સામાન્ય નાગરિક પોતાની ભાષામાં અઈં સેવાનો ઉપયોગ કરી શકે.

(4) પ્રધાનમંત્રીના 2036માં અમદાવાદમાં ઓલિમ્પિક લાવવાના વિઝનને ટેકો આપવા રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાત સરકાર સાથે જોડાશે. નારણપુરા ખાતેના વીર સાવરકર મલ્ટી-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન રિલાયન્સ સંભાળશે.

(5) સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે અને શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવશે.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ભારત આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિશ્વની એક મોટી શક્તિ બની રહ્યું છે અને આ ભારતનો ’નિર્ણાયક દાયકો’ છે.

જ્યોતિ સી.એન.સી. 10 હજાર કરોડનું રોકાણ કરશે: પરાક્રમસિંહ
જ્યોતિ સી.એન.સી.ના ચેરમેન પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટની ધરા ઉપર યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરતી સમિટ છે. વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બન્યું છે. આ કોઈ બિઝનેસ કોન્ફરન્સ નહીં પરંતુ વિકસિત ભારતનું વિઝન હવે પ્રદેશ, જિલ્લા, સ્થાનિક ઔદ્યોગિક ઇકો સિસ્ટમ સુધી પહોંચી રહ્યું હોવાનો સ્પષ્ટ સંકેત છે. વિશ્વમાં આજે અસ્થિર માહોલ વચ્ચે પણ ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મક્કમ અને સ્થિર બનીને ઊભું છે અને આગળ વધી રહ્યો છે. અમારો ધ્યયે ખૂબ જ સ્પષ્ટ છે કે મેન્યુફેક્ચરિંગ માત્ર બિઝનેસ નથી, અમારી જવાબદારી છે. અમારી કંપની આગામી પાંચ વર્ષમાં રૂૂ. 10 હજાર કરોડનું રોકાણ કરશે.

વિશ્વનો સૌથી મોટો પાઈપલાઇન પ્લાન્ટ સ્થાપવા વેલસ્પનની જાહેરાત
વેલસ્પન કંપનીના ચેરમેન બી. કે. ગોએન્કાએ ગૌરવભેર જણાવ્યું હતું કે, કચ્છ અમારી જન્મભૂમિ છે એક સમયે સૌરાષ્ટ્ર- કચ્છમાં સૌથી મોટી પાણીની સમસ્યા હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં સૌરાષ્ટ્ર કચ્છની કાયાપલટ થઈ છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ રિફાઇનરી પોર્ટ અને સીરામીક માટે જાણીતું બન્યું છે. આ ક્ષેત્રનો વિકાસ છેલ્લા 20 વર્ષમાં થયો છે, જેનો શ્રેય હું દેશના પ્રધાનમંત્રીને આપું છું તેમણે ઉમેર્યું હતું કે, ‘આજે વેલસ્પન એક લાખ થી વધુ લોકોને રોજગારી આપે છે. તેમણે 2003ના વાઇબ્રન્ટ સમિટને યાદ કરતા જણાવ્યું હતું કે, તે સમયે હું વાપીમાં પ્લાન્ટ કરવાનો હતો પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મને એવું કહ્યું હતું કે આપ આપનો પ્લાન્ટ કચ્છમાં નાખશો, તો આપને એક રૂૂપિયાના રોકાણ સામે એક ડોલર વળતર મળશે. જે વાત આજે સાચા અર્થમાં સાર્થક થઈ છે. અમારી કંપની આગામી સમયમાં વિશ્વની સૌથી મોટી પાઈપ પ્લાન્ટનું ઉત્પાદન કરવા માટે રૂૂ. 5000 કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે.

મુંદ્રામાં અદાણી ગ્રુપ 1.50 લાખ કરોડનું મૂડી રોકાણ કરશે: કરણ અદાણી
અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એમ.ડી. કરણ અદાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભારત સતત આગળ વધી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ કચ્છ સૌથી મોટું એનર્જી હબ બન્યું છે. અદાણી ગ્રુપ માટે મુંદ્રા કર્મભૂમિ છે. તેમજ સોલાર મેન્યુફેક્ચરિંગ માટે મુંદ્રા મહત્વનું સેન્ટર બન્યું છે. અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક મુદ્રા ખાતે બનાવી રહ્યો છે, જે 37 ગીગા બાઈટનો એનર્જી પાર્ક બનશે. તેમણે ઉમેર્યું હતું કે કચ્છના મુંદ્રા ખાતે આગામી પાંચ વર્ષ દરમિયાન અદાણી ગ્રુપ દ્વારા રૂૂપિયા 1.50 લાખ કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સપનાને આ ગ્રુપ સાકાર કરવા માટે સતત તેમના પડખે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *