દુબઈ-તેલ અવીવ ફ્લાઈટને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર અને ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ફ્લાયદુબઈના સહ-પાયલટને તેના દેશ ઓમાન દ્વારા ઉગ્રવાદી વિચારો અપનાવવાના કારણે ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇઝરાયેલી મીડીયાના દાવા મુજબ કો-પાઇલટે ઇઝરાયેલમાં વિમાન ક્રેશ કરવાના ઇરાદાની કબુલાત કરી છે. તેની પાસેથી પેલેસ્ટાઇન સમર્પિત સાહીત્ય મળી આવ્યું છે. તેની સોશિયલ મીડીયા પ્રોફાઇલ પણ તે અલ કાયદાની વિચારધારાથી પ્રેરીત હોવાનું દર્શાવે છે.
’ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, આ સહ-પાયલટની ઓળખ હમામ અલહમ્મામી તરીકે થઈ છે – જે સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ)માં જન્મેલા ઓમાની નાગરિક છે અને તેમના પિતા ઓમાની તથા માતા સીરિયન છે. અહેવાલો અનુસાર, અલહમ્મામીએ તેમનો મોટાભાગનો સમય ઓમાનની બહાર, ખાસ કરીને સીરિયામાં વિતાવ્યો હતો, જ્યાં તેઓ કથિત રીતે ઉગ્રવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા.
અહેવાલોમાં જણાવાયું છે કે અલહમ્મામી 2024માં ઓમાન એર માટે સહ-પાયલટ તાલીમાર્થી તરીકે કામ કરતા હતા ત્યારે તેમની પાસે ઉગ્રવાદી સામગ્રી મળી આવી હતી. તેમને એરલાઇનમાં વહીવટી ભૂમિકામાં કામ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સુરક્ષા માટે જોખમરૂૂપ હોવાનું જણાતા તેમને ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ હોવા છતાં, દુબઈ સ્થિત એરલાઇન ’ફ્લાયદુબઈ’ દ્વારા અલહમ્મામીને નોકરી પર રાખવામાં આવ્યા હતા, જેનાથી તેમને સંયુક્ત આરબ અમીરાત અને ઈઝરાયેલને જોડતા સંવેદનશીલ રૂૂટ પર ઉડાન ભરવાની તક મળી.
સીએનએન (CNN)ના અહેવાલ મુજબ, આ પાયલટે ફ્લાયદુબઈ માટે માત્ર આઠ મહિના કામ કર્યું હતું. તેમાં વધુમાં જણાવાયું છે કે હમામ અલહમ્મામીના નામની એક લિંક્ડઈન પ્રોફાઇલ – જે હવે ડિલીટ કરી દેવામાં આવી છે – તેમાં ઉલ્લેખ હતો કે તેમણે ઓમાન એરમાં સાત વર્ષ કામ કર્યું હતું અને ફેબ્રુઆરી 2025માં તે એરલાઇન છોડી દીધી હતી. ત્યારબાદ તેઓ જૂન 2025માં રોયલ એર મારોકમાં જોડાયા હતા અને ફ્લાયદુબઈમાં જોડાતા પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં તે નોકરી છોડી દીધી હતી.
કથિત રીતે, ફ્લાયદુબઈની ઘટના બાદ લગભગ નવ કલાકમાં તે પ્રોફાઇલ પર બે પોસ્ટ કરવામાં આવી હતી – અને બંને આતંકવાદ સંબંધિત હતી. પ્રથમ પોસ્ટમાં બોઇંગ 737 મેક્સ વિમાનના કોકપિટના કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં વીડિયો બનાવનાર વ્યક્તિએ ઇઝરાયેલી એરલાઇન ’એલ અલ’ (ઊહ અહ) ના વિમાન પર ઝૂમ કર્યું હતું. આ વીડિયોનો અંત અયમાન અલ-ઝવાહિરી (ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ અલ-કાયદાનું નેતૃત્વ કરનાર આતંકવાદી) અને હુમામ ખલીલ અબુ-મુલાલ અલ-બલાવી (જેણે 2009માં અમેરિકામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં નવ લોકોની હત્યા કરી હતી) ના ફોટા સાથે થાય છે.
CNNના અહેવાલ મુજબ, અન્ય એક પોસ્ટમાં અઈં (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરાયેલી તસવીર હતી જેમાં મક્કા, મદીના અને જેરુસલેમમાં આવેલા ઇસ્લામના ત્રણ પવિત્ર સ્થળો દર્શાવવામાં આવ્યા હતા. તેની સાથે પૃષ્ઠભૂમિમાં એક કવિતા હતી જેમાં અપમાનનો અસ્વીકાર કરવા, મૃત્યુથી ન ડરવા અને પોતાની ગરિમાનું રક્ષણ કરવા વિશે વાત કરવામાં આવી હતી.
