વાનખેડેમાં ગઇકાલે મુંબઈ સામેનો મુકાબલો રાજસ્થાન જીત્યું અને પ્લે-ઑફમાં સ્થાન જમાવ્યું એ પહેલાં રાજસ્થાનના રવીન્દ્ર જાડેજા અને મુંબઈના શાર્દુલ ઠાકુર વચ્ચે ‘ગલી ક્રિકેટ’ જેવી રમૂજ જોવા મળી હતી. રાજસ્થાનની ઇનિંગ્સની અંતિમ ઓવર ચાલી રહી હતી. શાર્દુલે ચોથા બોલમાં જાડેજાને આઉટ કર્યો. વિકેટ મળતાં જ શાર્દુલ અતિ ઉત્સાહમાં આવી ગયો અને વિકેટ સેલિબ્રેટ કરવા લાગ્યો. મુંબઈની ટીમના બાકીના ખેલાડીઓ પણ તેની સાથે સેલિબ્રેશનમાં જોડાયા હતા. જોકે થોડી જ પળોમાં મામલો પલટાઈ ગયો હતો.
સ્ટેડિયમમાં અચાનક નો-બોલની સાયરન વાગી અને એવું સાબિત થયું કે શાર્દુલનો એ નો-બોલ હતો. એનો અર્થ એ થયો કે જાડેજા આઉટ નહોતો. નો બોલ જાહેર થતાં જાડેજાએ પણ મોકો ન છોડ્યો અને તે હસતો-હસતો શાર્દુલ તરફ વળ્યો અને અનોખા અંદાઝમાં પોતાના નોટઆઉટનું સેલિબ્રેશન કર્યું હતું. જાડેજા તેને જાણે એવું કહી રહ્યો હતો, ‘હું હજી ગયો નથી.’
ત્યાર બાદ જાડેજાએ શાર્દુલની મુસીબત વધારી દીધી હતી. જાડેજાએ તેના સતત બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. ચોગ્ગા માર્યા પછી પણ જાડેજાએ રમૂજી અંદાઝમાં એ શોટ્સ સેલિબ્રેટ કર્યા હતા. આ જોઈને બન્ને ટીમના ખેલાડીઓ પણ હસવાનું રોકી નહોતા શક્યા. જોકે ઇનિંગ્સને અંતે બન્ને પ્લેયર હસીને વાતચીત કરી હતી.
