આગામી ટૂંક સમયમાં જ ગુજરાત માં જામનગર સહિત અન્ય મહાનગરપાલિકા ની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ર0 વર્ષના ભાજપના શાસન અને મોટા પાયે ભ્રષ્ટાચાર અંગે વિવિધ મુદ્દાઓ સાથેનું આરોપનામું જાહેર કર્યું છે. આ આરોપનામા અંગે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. જેમાં જામનગરના પૂર્વ સંસદસભ્ય વિક્રમભાઈ માડમે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરને સ્પર્શતા અને વોર્ડોમાં અલગ અલગ પ્રશ્નો હોય છે.
જામનગર ભાજપના શાસકોએ ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે. પછી તે લાખોટા લેઈક નું કામ હોય, ભૂજિયા કોઠાનું કામ હોય કે ફ્લાય ઓવર બ્રિજના કામ હોય, તમામ નાના-મોટા કામોમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો થયા છે.
જામનગરની જનતા સારી રીતે જાણી ચૂકી છે કે જામનગર નો યોગ્ય વિકાસ થયો નથી, પણ ભાજપના નેતાઓનો વિકાસ થયો છે. છેલ્લા ર0-ર0 વર્ષ થી ક્રિકેટ સહિતની રમતો માટે મેદાન બનાવવાના માત્ર વાયદા જ થયા છે.
ત્રીજા સ્મશાન માટેની જગ્યા બિલ્ડરોને લાભ અપાવવા બદલવી પડી રહી છે. હજી કોઈ ઠેકાણા નથી. કચરો બાળવાના કોન્ટ્રાક્ટરના કારણે ચાર વોર્ડ ની પ્રજા રોગચાળા ના ભય સાથે જીવી રહી છે. દરેક કામ 40 ટકાના કમિશન ના ધોરણે જ થતા હોવાનું પ્રજા જાણે છે.
તેમણે ભાજપના નેતાઓને ચાંદીબજારના ચોકમાં જાહેર જનતાની ઉપસ્થિતિમાં આરોપનામા અંગે ભ્રષ્ટાચાર-કૌભાંડો અંગે ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે, જો કે તેમણે ત્યાં સુધી જણાવ્યું કે ભાજપના કોઈ નેતામાં જાહેર માં જવાબ આપવાની કે પડકારક્ષનો સામનો કરવા ની ત્રેવડ નથી. કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાને જાગૃત કરવા આ આરોપનામા સાથે પ્રચાર કરવામાં આવશે. મનપાની મુદત પૂર્ણ થવાના આગલા દિવસે 700 કરોડના કામોની મંજુરી પણ શંકાસ્પદ છે.
આ તકે જામનગરના પ્રભારી અને કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ પણ જામનગર નો અન્ય મહાનગરો ની સરખામણીમાં વિકાસ થતો નથી.
અહીં ર0 વર્ષથી ભાજપના શાસનમાં થયેલા મહાકાય ભ્રષ્ટાચારના કારણે જ જામનગરની જનતા અનેક સમસ્યાથી ત્રસ્ત થઈ ગઈ છે. પરિણામે કામો થયા નથી, જે કામો થયા છે તે અત્યંત નબળા થયા છે. લોકોને પીવાલાયક શુદ્ધ પાણી મળતું નથી. બોર્ડમાં થયેલા ઠરાવોની અમલવારી થતી નથી.
જે જામનગરે ક્રિકેટ વિશ્વમાં અનેક મહાન ક્રિકેટરોની ભેટ આપી છે તે શહેરમાં મનપા ક્રિકેટ મેદાન બનાવી શકી નથી. કોંગ્રેસનું શાસન આવશે તો રમતગમતના મેદાનનું નિર્માણ કરવાને પ્રાથમિક્તા આપવામાં આવશે.
જામનગરની જનતા વીસ-વીસ વર્ષના ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારોથી હવે ગળે આવી ગઈ છે અને કોંગ્રેસ લોકોની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરવાનો સંકલ્પ લઈને મતદારો પાસે જશે, અને મનપામાંથી ભાજપના પાપોની વિદાય નક્કી છે.
