સાવરકુંડલા અને લીલીયામાં 2024માં થયેલી અતિવૃષ્ટિની સહાય આપવામાં આવી નથી. આ ઉપરાંત ખાતર, બિયારણમાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતલક્ષી વિવિધ મુદાઓને લઈને 3000 ખેડૂતોની ઉપસ્થિતિમાં રેલી યોજાઈ હતી. આ રેલી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલયથી સુત્રોચ્ચાર સાથે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી હતી. અહીં પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
આ રેલીમાં પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત, નરેશભાઈ દેવાણી, વિજયભાઈ ડોડીયા અને ખેડૂતો હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સાવરકુંડલા અને લીલીયામાં ખેડૂતો મુશ્કેલી મુકાયા છે. વર્ષ 2024માં અતિવૃષ્ટિમા ખેડૂતોને રાજ્ય સરકારે વળતર ચુકવવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી ખેડુતોને સહાય મળી નથી. તેમજ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે અનેક ખેડુતોએ વાવણી કર્યા પછી પાક તણાઇ ગયો,
ખેતરનું ધોવાણ, શેઢા પાળાનું ધોવાણ થયુ છે. ત્યારે આ વર્ષે પણ ખેડૂતોને સહાય ચૂકવાવ માટે ખેડૂતોએ માંગણી કરી હતી. ખેડૂતોને પાયાનું ખાતર ન મળવાને કારણે પાકની ચિંતા થઈ રહી છે. ખેડૂતોને યુરીયા નાખવું જોઇએ તે પણ મળતું નથી.
ખાતરના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યાં છે. સવારમાં ઉઠીને લાઇનમાં ઉભા રહી ને સાંજે યુરીયા ન મળવાને કારણે ઘરે પરત જાય છે. ત્યારે ખેડૂતોને ખાતર આપવામાં આવે તેવી માંગ કરી હતી. કમોસમી વરસાદથી ચાલુ વર્ષના મે મહિનામાં ખેડૂતોને ઉનાળુ પાક જેવા કે ડુંગળી, મગ, અડદ, તલ, બાજરી અને બાગાયતી પાકોમાં પારાવાર નુકશાન થયું હતું. જેનો સર્વે પણ કરાવવામાં આવ્યો હતો.
પરંતુ આજ દિન સુધી તેની કોઈ ફોર્મ પ્રક્રિયા કે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે તાત્કાલિક ધોરણે સહાય રાહત પેકેજ જાહેર કરી વળતર આપવા ખેડૂતો અને આગેવાનોએ માંગણી કરી હતી. ખેડૂતોનાં પ્રશ્નોનો 15 દિવસમાં ઉકેલવામાં નહિ આવેતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી હતી.
સાવરકુંડલા શહેરમાં ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ હતી. જેમાં ખાતર આપો, 0 થી 5 લાખની લોન આપો, વિજળી આપો, કૃષિ રાહત પેકજેનો અમલ કરો અને ખાતરના ભાવ ઘટાડો સહિત ખેડૂતોએ સુત્રોચ્ચાર કર્યા હતા.
સાવરકુંડલામાં આગેવાનોએ આવેદન દરમિયાન હાલ વરસાદ ખેંચાયો હોવાથી પાકને પાણીની તાતી જરૂૂરીયાત છે. ત્યારે જિલ્લાભરમાં 12 કલાક વિજળી આપવા માટે માંગણી કરી હતી.
