ગઇકાલે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટની મેચ હાઈ-સ્કોરિંગ થઈ જેમાં પાંચ બેટ્સમેને સેન્ચુરી ફટકારી હતી અને છેવટે બરોડાએ હૈદરાબાદ સામે 37 રનથી વિજય મેળવ્યો હતો.
બરોડાની ટીમનો કેપ્ટન કૃણાલ પંડ્યા છે. આ ટીમ વતી તેનો નાનો ભાઈ હાર્દિક પંડ્યા પણ રમતો હોય છે. બુધવારની રાજકોટની મેચના પાંચ સેન્ચુરિયનમાં બરોડાનો ઓપનર નિત્ય જિતેન્દ્ર પંડ્યા (122 રન, 110 બોલ, એક સિક્સર, બાર ફોર) પણ હતો. 19 વર્ષનો નિત્ય લેફ્ટ-હેન્ડ બેટ્સમેન છે. તે ઇન્ડિયા અન્ડર-19 વતી પણ રમી ચૂક્યો છે.
બરોડા વતી અમિત પાસી (127 રન, 93 બોલ, સાત સિક્સર, બાર ફોર) અને કૃણાલ પંડ્યા (109 અણનમ, 63 બોલ, એક સિક્સર, અઢાર ફોર)એ પણ સદી ફટકારી હતી. બરોડાના 4/417ના સ્કોર સામે હૈદરાબાદની ટીમ અભિરથ રેડ્ડી (130 રન) અને પ્રગ્નય રેડ્ડી (113 રન)ની સદી છતાં 49.5 ઓવરમાં 380 રન કરી શકી અને બરોડાનો રોમાંચક વિજય થયો હતો.
