અંજારના ખંભરા ગામમાં મતિયાદેવ મંદિરમાં દાનપેટી ચોરી કરનાર ’ચડ્ડી બનીયાન ગેંગ’ના 4 સાગરીતોને અંજાર પોલીસે પકડ્યા છે. તેમની પાસેથી રોકડ ₹4,960 અને 4 મોબાઈલ ફોન જપ્ત કરાયા. આરોપીઓ મૂળ દાહોદના અને હાલ રાજકોટમાં રહે છે.
મુખ્ય આરોપી મિથુન મોહનીયાએ કબૂલ્યું કે, બે મહિના પહેલા તેઓ વીજ લાઈન નાખવાના કામ માટે ખંભરા આવ્યા હતા. ત્યારે જ તેણે મંદિરની દાનપેટી ચોરવાનો પ્લાન બનાવ્યો. કામ પૂરું થયા બાદ રાજકોટ જઈને તેણે અન્ય 6 સાગરીતો સાથે બોલેરો પિક-અપ ગાડીમાં આવી ચોરી કરી. આરોપીઓએ સિનુગ્રા ગામમાંથી એક મોબાઈલ ચોરીની પણ કબૂલાત કરી છે.
એસપી સાગર બાગમાર અને પીઆઈ એચ.એ. જાડેજાની સૂચનાથી ટીમોએ તપાસ કરી. વર્ષામેડીથી મેઘપર કેનાલ પાસે ચોરીના ઈરાદે ભેગા થયેલા આરોપીઓને બાતમીના આધારે પકડવામાં આવ્યા.
પકડાયેલા આરોપીઓ મિથુન વરસીંગ મોહનીયા (ઉ.વ. 23), અંશુ બચુ કટારા (ઉ.વ. 48), દિનેશ શબુરભાઈ ડામોર (ઉ.વ. 30) અને સમુ નબળાભાઈ મોહનીયા (ઉ.વ. 40) છે. કુલ ₹24,960નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
