950 આરોપીઓને બોલાવી કડક કાર્યવાહીની ચેતવણી આપી
રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુનાખોરીના રસ્તે ચડેલા 950 જેટલા શખ્સોને સુધરવાની છેલ્લી તક આપતા એસ.પી.એ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.
રાજકોટ ગ્રામ્ય પોલીસે મારામારી, દારૂૂબંધી, જુગાર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા તેમજ પાસા કે તડીપારની દરખાસ્ત હેઠળના 950 જેટલા ઈસમોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકી ત્રીજા તબક્કે 200 જેટલા શખ્સોને બોલાવીને સમજાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, બોલાવવા છતાં ગેરહાજર રહેલા 120 આરોપીઓને ફરીથી તેડું મોકલવામાં આવશે.
મીટિંગ દરમિયાન એસ.પી. વિજયસિંહ ગુર્જરે ગુનેગારોને સીધી ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “હું તમને નીચે બેસાડવા માંગતો નથી, પણ જો તમે બે વખત સમજાવવા છતાં નહીં સુધરો તો હું તમારી પરેડ કરાવીશ અને કડકમાં કડક કાર્યવાહી કરીશ.” તેમણે ઉમેર્યું હતું કે, “તમારા પરિવારનો વિચાર કરો. ઓનલાઈન કે ઓફલાઈન જુગાર અને નશાની લત આખા પરિવારને બરબાદ કરી નાખશે.”
આ મહત્વની બેઠકમાં એસ.પી. ગુર્જરની સાથે એ.એસ.પી. સીમરન ભારદ્વાજ, ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડીયા, કે.જી. ઝાલા, પ્રોબેશનલ આઈ.પી.એસ. પ્રખર કુમાર તેમજ જિલ્લાના તમામ પી.આઈ., એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ અધિક્ષકે સામાન્ય જનતાને પણ નિર્ભય બનીને સહકાર આપવા અપીલ કરી છે. જો કોઈ પણ જગ્યાએ ગાંજો, ચરસ, અફીણ કે ડ્રગ્સનું વેચાણ, ગેરકાયદેસર હથિયારો અથવા અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો તેની માહિતી પોલીસને આપવા જણાવાયું છે. માહિતી આપનાર નાગરિકનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને તેને યોગ્ય ઈનામ તેમજ ખર્ચ પણ આપવામાં આવશે. નાગરિકો સીધો જિલ્લા પોલીસ કચેરી, કંટ્રોલ રૂૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.
