રાજકોટ શહેરમાં અંતે ગઈકાલ રાતથી મેઘરાજાએ બીજા રાઉન્ડની શરૂઆત કરી હતી અને આજે બપોરે ત્રણ વાગ્યા સુધી છુટોછવાયો વરસાદ ચાલુ રહેતાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં 84 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 82 મીમી અને ઈસ્ટ ઝોનમાં 56 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજકોટનો સિઝનનો કુલ વરસાદ 9 ઈંચ જેટલો થયો છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વરસાદ હજુ ઘણો ઓછો હોય લોકો સારા વરસાદની રાહમાં છે. આગામી બે દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી રાજકોટ જિલ્લાના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ગત રાત્રે નવ વાગ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે 12 થી 1 વાગ્યા વચ્ચે ધોધમાર વરસાદ પડી જતાં સવાર સુધીમાં વેસ્ટ ઝોનમાં 73 મીમી, સેન્ટ્રલમાં 67 મીમી અને ઈસ્ટ ઝોનમાં 46 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં વધુ 11 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 15 મીમી અને ઈસ્ટ ઝોનમાં 10 મીમી વરસાદ પડી ગયો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ જામેલું હોવાથી એક બે દિવસમાં વધુ વરસાદ પડવાની આશા જાગી છે. આ વરસાદના કારણે રાજકોટ શહેરનાં ગટરનો આજી-2 ડેમ છલકાઈ જતાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે શહેરને પાણી પુરૂ પાડતાં ભાદર ઉપરાંત આજી-1 અને ન્યારી-1 તથા 2 ડેમમાં પણ પાણીની આંશિક આવક નોંધાયેલ છે. રાત્રી દરમિયાન વધુ વરસાદ પડે તો ધીંગી આવક થવાની આશા વ્યકત કરવામાં આવી છે.
આજી-2 ડેમના છ દરવાજા ખોલાયા હેઠવાસના ગામો માટે ચેતવણી સંદેશ
વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકાના આજી-2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે રાત્રે 2.00 કલાકે ડેમના 06 દરવાજા 0.1524 મીટર ખોલવામાં આવ્યા છે. આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી 73.76 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 72.5 મીટર છે. ડેમમાં નીરની આવક અને જાવક 1680 ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
