રાજકોટના ભૂમાફિયા બલી ડાંગર અને તેના બે સાગરિત ફરી જેલ હવાલે

રાજકોટ નજીક હરીપર પાળ ગામે પુષ્પાપાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના જામીનનો હુકમ રદ કરી સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર સુધીમાં…

રાજકોટ નજીક હરીપર પાળ ગામે પુષ્પાપાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના જામીનનો હુકમ રદ કરી સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો. જેને લઇ 24 ઓક્ટોબરના આરોપી બલદેવ ઉર્ફે બલી વીરભાનું ડાંગર, અર્જુન જલુ અને રામદેવ ડાંગર ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ ત્રયેણને ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ જમીન પ્રકરણ અંગે વર્ષ 2014માં લોધિકા પોલીસ સ્ટેશનમાં બલી ડાંગર અને તેની ટોળકી સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીઓએ ખુલ્લા પ્લોટો પર ગેરકાયદે રીતે કબજો જમાવી, ત્યાં ફાર્મહાઉસ બનાવી અને પ્લોટ ધારકોને ત્યાં પ્રવેશતા અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાજકોટના રહેવાસી હિમાંશુભાઈ જાની દ્વારા વર્ષ 2014માં લોધીકા પોલીસ સ્ટેશન ખાતે કુલ 22 લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓ દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી પ્લોટ પર કબજો કરવામાં આવ્યો હતો અને હિમાંશુ જાનીને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ કેસમાં આરોપીઓની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી ફરિયાદી દ્વારા વર્ષ 2022માં જામીન રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચાર આરોપી બલી ડાંગર, અર્જુન જલુ, રામદેવ ડાંગર અને મયુર પરમારના જામીન રદ કરવામાં આવ્યા હતા. આ પછી ચારેય આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સામે ચેલેન્જ સુપ્રીમ કોર્ટમાં કરી જામીન યથાવત્ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આ રજૂઆત નકારી ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય યથાવત્ રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીઓને 24 ઓક્ટોબર સુધીમાં સરેન્ડર કરવા કહેવામાં આવતા 24 ઓક્ટોબરને શુક્રવારના રોજ આરોપી બલી ડાંગર, રામદેવ ડાંગર અને અર્જુન જલુ દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું છે.

જેમને હાલ ગોંડલ જેલ ખાતે ધકેલવામાં આવ્યા છે. હાઈકોર્ટે આરોપીઓના જામીન રદ કરતા હુકમમાં એવી નોંધ કરી હતી કે, લોધિકા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવેલ હકીકતો મુજબ બધા આરોપીઓ હિસ્ટ્રીશીટરો છે, ઓર્ગેનાઈઝ્ડ ગેંગ ચલાવે છે અને જામીન મળ્યા બાદ પણ પોતાની સ્વતંત્રતાનો દૂરઉપયોગ કર્યો છે. ચાર્જ ફ્રેમ વખતે પણ ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થયા નથી. આ બધી બાબતોની ગંભીર નોંધ લઈ હાઈકોર્ટે આરોપીઓના જામીનનો હુકમ રદ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *