2 કરોડનો મુદ્દામાલ સીઝ કરતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે રાજકોટ ફ્લાઈંગ સ્કવોડે ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજના ખનન અને વહન સામે મોટી કાર્યવાહી કરી છે. આશરે ₹2 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ખનીજચોરોમાં સળવળાટ જોવા મળ્યો છે.
રાજકોટ ફ્લાઈંગ સ્કવોડના મદદનીશ નિયામક અંકિત ભટ્ટના માર્ગદર્શન હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એક વોલ્વો કંપનીનું એક્સકેવેટર મશીન અને ત્રણ ડમ્પર ઝડપાયા હતા. પ્રાથમિક તપાસમાં આ વાહનો ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજના ખનન અને વહનમાં સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.જપ્ત કરાયેલ મુદ્દામાલને આરદ્રા એગ્રીગેટના સ્ટોન ક્રશર ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યો છે. તપાસ દરમિયાન એક્સકેવેટર મશીનના માલિક તરીકે મહાવીરસિંહ ચંદ્રસિંહ સોલંકી અને ત્રણેય ડમ્પરના માલિક તરીકે પ્રદીપસિંહ જુવાનસિંહ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે.સ્થળ પર ખનનની માપણી કરવામાં આવી છે. હવે આગળની દંડકીય કાર્યવાહી સંબંધિત કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે..
