રાજકોટ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન હેઠળ આવેલા ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 3 ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન તેમજ જુગારધારાની વિવિધ કલમો હેઠળ કુલ 67 ગુનાઓ નોંધાઈ અને સાબિત થતા તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
આ ત્રણેય ઈસમોને રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લાની હદમાંથી 4 થી 6 મહિના સુધી માટે તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, સમાજમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તેમજ ગુનાખોરી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રહે તે હેતુસર આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની હોવાનું પણ જાણવા મળે છે.
