શહેરના હોસ્પિટલ ચોક નજીક આવેલા કોઠી કંપાઉન્ડમાં રેલવે અધિકારીની કારના ચાલકે ડબલ સવારી બુલેટને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બુલેટ ચાલકને પગમાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેની સાથેના યુવાનને પણ ઈજા પહોંચી હતી. બુલેટને ઉલાળી કાર ચાલક નાસી છુટયો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, જામનગર રોડ પર આવેલા પરસાણાનગર શેરી નં.1માં રહેતો અને એઈમ્સ હોસ્પિટલમાં સ્વીપર તરીકે નોકરી કરતો દુષ્યંત પંકજભાઈ વાઘેલા (ઉ.22) નામનો યુવાન કોઠી કંપાઉન્ડમાં તેના સંબંધીના ઘરે પ્રસંગ હોવાથીપોતાનું બુલેટ લઈ ત્યાં ગયો હતો. જ્યાંથી તેના સંબંધી આયુષ જગદીશભાઈ પરમાર (ઉ.19) રહે.બોટાદને પોતાના બુલેટમાં બેસાડી બન્ને વસ્તુ લેવા માટે જઈ રહ્યા હતાં ત્યારે કોઠી કંપાઉન્ડ કેમ્પસમાં ઈનોવા કારનો ચાલક બુલેટને ઉલાળી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં દુષ્યંતને પગના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેની પાછળ બેઠેલા આયુષને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત યુવાનના સંબંધીના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર કાર રેલવેના અધિકારીની હોવાનું અને આ કાર તેનો ડ્રાઈવર લઈને નીકળ્યો હતો અને અકસ્માત સર્જી નાસી છુટયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
