સુલતાનપુર, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકના દરોડામાં રૂા.7.77 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ જીલ્લામાં પોલીસ દ્વારા શ્રાવણી જુગારની પ્રવૃત્તિઓ પર લાલઆંખ કરીને વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડાનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો છે. રાજકોટ જીલ્લાના સુલતાનપુર, ઢાંક, ધોરાજી, અને જામકંડોરણાના ધોળીધાર ગામે પાડવામાં આવેલા દરોડામાં કુલ 36 જુગારીયાઓ રંગેહાથ ઝડપાઇ ગયા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, વાહનો અને મોબાઇલ સહિત કુલ રૂૂ. 7,75,920 થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારના દરોડામાં સુલતાનપુર અને ઈસરામાં જુગારના અખાડા પર દરોડો પોલીસે પ્રાપ્ત બાતમીના આધારે સુલતાનપુર ગામની ’દેવળકો’ સીમમાં આવેલી મેહુલ જીણાભાઇ ગોંડલીયાની વાડીના મકાનમાં દરોડો પાડ્યો હતો. મેહુલ ગોંડલીયા બહારથી માણસો બોલાવી નાલના પૈસા ઉઘરાવી અખાડો ચલાવતો હતો. પોલીસે અહીંથી મેહુલ સહિત 10 શખ્સોને રૂૂ. 4,50,000 ની રોકડ, 7 મોબાઇલ અને 5 મોટરસાયકલ મળી કુલ રૂૂ. 5,70,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
બીજા દરોડામાં ઉપલેટાના ઈસરા ગામે ખારા વિસ્તારની સીમમાં કારાભાઈ દેવાયતભાઈ ચંદ્રવાડીયાની વાડીની ઓરડીમાં ચાલતા અખાડા પર પોલીસે દરોડો પાડી કારાભાઈ સહિત 6 આહીર શખ્સોને રૂૂ. 82,500 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. ઉપરાંત જીલ્લામાં જાહેરમાં રમાતા જુગાર પર 4 સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગોંડલ નેશનલ હાઇ-વે પર રાધીકા ફર્નિચર પાછળ જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા 8 શખ્સોને રૂૂ. 53,000 ની રોકડ સાથે પકડવામાં આવ્યા હતા.
ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળના ઢાંક ગામે પટ્ટી સીમમાં ખુલ્લામાં લાઈટના અંજવાળે જુગાર રમતા 8 શખ્સોને રૂૂ. 16,180 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. ધોરાજીથી વાલાસીમડી રસ્તે ગબીનશાહ પીરની દરગાહ નજીક ઝાડ નીચે જુગાર રમતા 6 શખ્સોને રૂૂ. 51,740 ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જયારે જામકંડોરણાના ધોળીધાર ગામે રામાપીરના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 4 શખ્સોને રૂૂ. 1,540 ની રોકડ સાથે પકડ્યા હતા. પોલીસે જુગાર રમતા તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ 4, 5 અને 12 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂૂ કરી છે.
