કોટડાસાંગાણીના કરમાળ પીપળિયા ગામે વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો

ત્રણ શખ્સોની ધરપકડ, વાડીમાલિક ફરાર, 1 લાખનો મુદ્દામાલ કબજે કોટડાસાંગાણી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. તાલુકાના કરમાળ પીપળીયા…

ત્રણ શખ્સોની ધરપકડ, વાડીમાલિક ફરાર, 1 લાખનો મુદ્દામાલ કબજે

કોટડાસાંગાણી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. તાલુકાના કરમાળ પીપળીયા ગામે લાંબા સમયથી ધમધમતા જુગારના અખાડા પર રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ત્રાટકીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડાએ સ્થાનિક કોટડાસાંગાણી પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે અને પોલીસની નિષ્ક્રિયતા સામે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.કરમાળ પીપળીયા ગામની સીમમાં સુરેશભાઈ પડાળીયાની ખેતરવાડીમાં ધોળા દિવસે જુગારનો અખાડો ચાલતો હતો, છતાં સ્થાનિક પોલીસને આ અંગે કોઈ જ જાણ નહોતી? કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવતા હતા? તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. આખરે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી એ દરોડો પાડી 4 જુગારીઓને ઝડપી પાડ્યા અને રોકડ સહિત ₹1,09,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબીની સફળતા, કોટડાસાંગાણી પોલીસની નિષ્ફળતા? જ્યારે ઉપર લેવલની એજન્સી આવીને સ્થાનિક વિસ્તારમાં દરોડા પાડે છે, ત્યારે તે સીધો સંકેત આપે છે કે સ્થાનિક પોલીસ પોતાની ફરજમાં નિષ્ફળ રહી છે. આ દરોડામાં રોકડ ₹52,500/-, મોબાઈલ અને બાઈક મળી કુલ ₹1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કરી
દિવ્યેશ વીરડીયા, દિલીપ ભાલાળા અને લખમણ કથાડા ઝડપાયા, જ્યારે ખેતર માલિક સુરેશ પડાળીયા ફરાર થઈ ગયો હતો.રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય જેવી કડક છાપ ધરાવતા અધિકારીના શાસનમાં પણ જો કોટડાસાંગાણી પોલીસ ઊંઘતી ઝડપાય, તો તે ચિંતાનો વિષય છે. શું હવે ઉચ્ચ અધિકારીઓ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાબદારો સામે કોઈ પગલાં લેશે? તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *