મહારાજા ટ્રોફીમાં ‘ધ વોલ’ની યાદ અપાવી
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન, પૂર્વ કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત દ્રવિડ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાજા ટ્રોફી KSCA T20 2026માં કલ્યાણી બેંગલુરુ તરફથી રમતા સમિત દ્રવિડે હુબલી ટાઈગર્સ સામે ક્લાસિકલ બેટિંગ કરીને પોતાની પ્રતિભાની ઝલક દેખાડી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મેચ દરમિયાન કલ્યાણી બેંગલુરુની શરૂૂઆત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 11 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.
આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સમિત દ્રવિડે રોહન પાટિલ સાથે ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 43 બોલમાં 70 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેના કારણે ટીમ ફરી મજબૂત સ્થિતિમાં પહોંચી હતી. સમિતે 23 બોલમાં 32 રનની ઈનિંગ રમી, જેમાં છ આકર્ષક ચોગ્ગાનો સમાવેશ થયો હતો. તેના ક્લાસિક કવર ડ્રાઈવ અને સ્ટ્રેટ શોટ્સે ચાહકોને રાહુલ દ્રવિડની બેટિંગની યાદ અપાવી દીધી હતી. હુબલી ટાઈગર્સે જોરદાર લડત આપી અને 20 ઓવરમાં 7 વિકેટે 201 રન સુધી પહોંચી ગઈ, પરંતુ જીતથી માત્ર બે રન દૂર રહી ગઈ. મનવંત કુમારની 22 બોલમાં 60 રનની તોફાની ઇનિંગ છતાં કલ્યાણી બેંગલુરુએ રોમાંચક જીત નોંધાવી, જેમાં સમિત દ્રવિડનું યોગદાન ચર્ચાનું કેન્દ્ર બન્યું.
