રાજકોટ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ભોળા અને આર્થિક નબળા ખેડૂતોને ફસાવવાના રેકેટનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ આચરેલા વ્યાજખોરી અને જમીન છેતરપિંડીના એક ખૂબ જ ગંભીર તથા ચકચારી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 7/12ના ઉતારા પર સસ્તા વ્યાજે કે સરળતાથી લોન અપાવવાની લાલચ આપી, સાટાખતના બહાને ખેડૂતો અને નિર્દોષ લોકોની કરોડોની જમીનનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી લેતી એક સંગઠિત કૌભાંડી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે.
બે દિવસ પૂર્વે પડધરી તાલુકાના સરપદડ ગામના એક વેપારી પાસેથી માત્ર રૂૂ. 5.50 લાખની લોનની સામે ધાકધમકી અને ઊંચા વ્યાજની વસૂલાત થકી કુલ રૂૂ. 1,07,16,000/- પચાવી પાડવાના ગુનામાં પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેની તપાસમાં ચકચારી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને ગ્રામ્ય એલસીબીની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર બિલ્ડિંગના આઠમા માળે બાલાજી લોન અને ગીતા ચેરીટેબલ ટ્રસ્ટના નામે ચાલતી ઓફિસમાં રાતોરાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરોડા દરમિયાન કાચના પાર્ટીશનવાળા અલગ-અલગ રૂૂમમાં 14 મહિલા કર્મચારીઓ ખેડૂતોને કોલ કરતી મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 14 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, કમ્પ્યુટર, રાઉટર, ડાયરીઓ, શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસના નામના પ્રચાર પત્રકો તથા રાજ્યના 8 જિલ્લાઓ રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણાના 32 જેટલા ખેડૂતોના 7/12, 8-અ ના ઉતારા અને સહીવાળા 25 કોરા ચેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત અમદાવાદના ગોતા વિસ્તારમાંથી પણ આવી જ એક ઓફિસ ઝડપી પાડી વધારાના સીમકાર્ડ અને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.
આ કૌભાંડ ચલાવતા સુત્રધાર અલ્પેશ ગોપાલભાઈ દોંગા (રહે. રાજકોટ), અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ (રહે. રાજકોટ), ચંદુભાઈ છગનભાઈ વીરડીયા (રહે. રાજકોટ), પીયૂષભાઈ ચંદુભાઈ વીરડીયા (રહે. રાજકોટ), હિરેનભાઈ રતિભાઈ લુણાગરીયા (રહે.સરપદડ – વચેટીયો) સામે ગુનો નોંધી તમામની પુછપરછ કરતા ચોકાવનારી માહિતી સામે આવી હતી. પડધરીના સરપદડ ગામના એક યુવા વેપારીને ધંધામાં નુકસાન થતાં નાણાંની જરૂૂરિયાત હતી. ગામના વચેટીયા હિરેન લુણાગરીયા મારફતે તેઓ રાજકોટના અલ્પેશ ગોપાલભાઈ દોંગાના સંપર્કમાં આવ્યા હતા.
આરોપીઓએ 9 વીઘા જમીન જોઈને રૂૂ. 5.50 લાખની લોન આપવાનું નક્કી કર્યું હતું અને સબ-રજિસ્ટ્રાર કચેરી, પડધરી ખાતે માત્ર સાટાખત થાય છે તેમ કહીને સંપૂર્ણ વેચાણ દસ્તાવેજ પોતાના સાગરીતોના નામે કરાવી લીધો હતો. ત્યારબાદ માસિક 5% જેટલું અતિશય ઊંચું વ્યાજ, ખોટા હિસાબો, જાનથી મારી નાખવાની ધમકીઓ અને લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદો કરવાની ધમકી આપીને ફરિયાદી પાસેથી અલગ-અલગ તબક્કે કુલ રૂૂ. 1.07 કરોડથી વધુ રકમ પડાવી લેવામાં આવી હતી. પોતાની જમીન બચાવવા માટે ફરિયાદીએ પોતાના મોટાભાઈની જમીન વેચીને પણ નાણાં ચૂકવવા પડ્યા હતા. જેમાં 1 વર્ષનું માસિક 5% વ્યાજ (રૂૂ.27,500 લેખે) 3,30,000, રૂૂ.9,86,000, જમીન છોડાવવાના નામે (રૂૂ. 80 લાખ ઉપાડ્યાનું કહી) 40,00,000, જમીનનો દસ્તાવેજ પરત પોતાના નામે કરાવવા માટે, 54,00,000 કુલ અસલી લોન રૂૂ. 5.50 લાખ સામે પડાવેલ રકમ રૂૂ.1,07,16,000 ચૂકવી પડી હતી.
આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી અલ્પેશ ગોપાલભાઈ દોંગા સામે અગાઉ પણ પડધરી, જેતપુર, ગોંડલ, મેટોડા, રાજકોટ સિટી ડીસીબી અને આજીડેમ પોલીસ સ્ટેશનોમાં નાણાં ધીરધાર, છેતરપિંડી, વ્યાજખોરી તથા આત્મહત્યાની ફરજ પાડવા જેવા 13થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે અક્ષીત અકબરી અને પીયૂષ વીરડીયા સામે પણ અગાઉ ગુનાઓ નોંધાયેલા છે.
ગીતા નામની 4800 મહિલાઓને લોન આપવાના નામે ફસાવવાનું ષડયંત્ર
આ ટોળકીને ધર્મને પણ અભડાવી ભગવત ગીતાના નામે ગુજરાતની 4800 મહિલાઓને લોન આપવાના બહાને ફસાવવાનું ષડયંત્ર રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. ટોળકી સંચાલિત કોલ સેન્ટરમાંથી ગુજરાતભરની ગીતાનામની મહિલાઓનો નંબર શોધી તેમનો ફોન દ્વારા સંપર્ક કરવામાં આવતો હતો અને ફોન કરનાર કોલ સેન્ટર માંથી નમસ્તે સર, હું ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ માંથી વાત કરું છું. અમે અલગ-અલગ સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. આ નિમિત્તે અમદાવાદમાં 25000 ગીતા બહેનોને ગીતા જયંતિ ના દિવસે ભેગા કરવાના છીએ, તો તમારા ઘરેથી ગીતા બહેન નામ નું વ્યક્તિ છે? કોઈ છે? ઉપરાંત ગીતા સેવા મિશન માંથી વાત કરું છું. આ વર્ષે સમગ્ર વિશ્વમાં ગીતાજી પ્રચારાર્થે શ્રીમદ્ ભગવદ્ગીતા ની 25,000 ગીતા બહેનો ની એકતા કરીને એક શક્તિ બનાવવાના છીએ. તો આપના સગા-સંબંધી કે ગ્રુપ સર્કલ માં કોઈ ગીતા બહેનો હોય તો તેમનો કોન્ટેક્ટ કરાવજો. અને મેં વોટ્સએપ પર પેમ્પલેટ મોકલેલ છે, તે માહિતી આપજો તેમને, જેમ કે બહેનો માટે નાસ્તો, સીવણ, ખરીદ-વેચાણ કે શિક્ષણ, વૃદ્ધો માટે ટિફિન સર્વિસ વગેરેમાં બહેનો ને લીગલ સહાય કરીશું, ઉપરાંત દર ગીતા જયંતિ નિમિત્તે ગીતા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ કરીએ છીએ. જેમાં વર્ષો થી એક જ નામવાળા ગીતા બહેનો ને ભેગા કરવાના છીએ. 25,000 ગીતા બહેનો ને અમદાવાદ ખાતે ભેગા કરવાના છીએ. આમ ગીતા જયંતિના મહોત્સવનું આયોજન કરીશું અને ગીતા બહેનો નું સન્માન કરવાના છીએ, અને વિવિધ લાભો પણ ગીતા બહેનોને આપવામાં આવશે. કોઈ રૂૂપિયા ભર્યા વિના લાભ મળશે તેવું જણાવવામાં આવતું , આમ ગીતા નામની મહિલાઓને ફસાવવામાં આવતી હતી. જેમાં રાજકોટમાં 1250,ભાવનગરમાં 2500 અને સુરતમાં 5500 ગીતા નામની મહિલાઓએ લાભ લીધાનું કહી લલચાવી ફસાવામાં આવતી હતી.
લોનના નામે સાટાખત કરી જમીન હડપ કરી બારોબાર વેચી નાખતા
ખેડૂતો અને આથિક નબળા લોકોને લોનના નામે ફસાવી તેમની કીમતી જમીન હડપ કરી લેતા ટોળકીઓ સુત્રધાર અલ્પેશ દોંગા તથા અક્ષીત અકબરી, લોનની જરૂૂરિયાતવાળા તથા ખેતીની જમીન લે-વેચ કરવા ઇચ્છુક સંભવિત લોકોના મોબાઇલ નંબરોની યાદી મળેવી તેમણે મળવા માટે રૂૂબરૂૂ ઓફિસે બોલવાની ફસાવતા હતા. કર્મચારીઓ ઓફિસે આપેલ ફોન/સીમકાર્ડ પરથી પોતાને “બાલાજી લોન” અથવા “ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ” માંથી બોલે છે તેમ જણાવી, માલિકોની સૂચના મુજબ પોતાનું સાચું નામ બદલીને ખોટા નામે ખેડૂતોને “એગ્રીકલ્ચરલ લોન” માટે કોલ કરતા હતા. દરેક કોલની વાતચીત અને ખેડૂતના પ્રતિભાવની નોંધ ડાયરી/ફૂલસ્કેપ બુકમાં રાખવામાં આવતી હતી. “શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ ખેતીની જમીન તથા મકાન ઉપર બે કરોડ સુધી લોન” તથા “ખેડૂત ભાઈઓ માટે 7/12 ઉપર સૌથી વધુ લોન” જેવા લખાણવાળી પત્રિકાઓ અને કવરો દ્વારા ખેડૂતોને આકર્ષવામાં આવતા હતા. ઓફિસ પર બોલાવી સાટાખત આધારે લોનનું કહી જમીનના દસ્તાવેજ કરાવી લેવાતા અને ત્યાર બાદ આ જમીન બારોબાર કરોડોમાં વેચી નાખવાનો ખેલ રચાતો હતો.
ભોગ બનેલા ખેડૂતોને પોલીસનો સંપર્ક કરવા અપીલ, નામ ગુપ્ત રાખવામાં આવશે
રાજકોટ ગ્રામ્ય પોલીસની જાહેર જનતાને અપીલ કરી છે. કે, સબ-રજિસ્ટ્રાર કચેરીમાંથી આવતી સરકારી નોટિસો કે કાગળો કોઈ અજાણ્યા વ્યક્તિને ન સોંપવા અને સહી કરતા પહેલાં તમામ દસ્તાવેજો ચકાસવા વિનંતી કરી છે. જો કોઈ ખેડૂત કે નાગરિક “બાલાજી લોન”, “ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ” કે “શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ”ના નામે છેતરપિંડીનો ભોગ બન્યા હોય, તો તેમણે નિ:સંકોચ પોલીસનો સંપર્ક કરવો જેમાં પોલીસ કંટ્રોલ રૂૂમ, રાજકોટ ગ્રામ્ય 74339 11100 (ઇમરજન્સી 112), મદદનિશ પોલીસ અધિક્ષક, ધોરાજી વિભાગના ટેલીફોન 92130 00434, મદદનિશ પોલીસ અધિક્ષક, જસદણ વિભાગના ટેલીફોન નંબર 91733 84784, નાયબ પોલીસ અધિક્ષક, જેતપુર વિભાગના ટેલીફોન નંબર 99784 08188, નાયબ પોલીસ અધિક્ષક, ગોંડલ વિભાગના ટેલીફોન નંબર 99784 07095 પડધરી પોલીસ સ્ટેશન, 63596 25725 પર સંપર્ક કરવા જણાવાયું છે. ભોગ બનનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
ખાસ સ્ક્રિપ્ટ તૈયાર કરી કોલ સેન્ટરમાંથી ફોન કરી ખેડૂતોને ફસાવવાનું મોટુ કૌભાંડ
પોલીસ તપાસમાં કૌભાંડીઓની માસ્ટર પ્લાનિંગ અને મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી જેમાં મુખ્ય સૂત્રધારો અલ્પેશ દોંગા અને અક્ષીત અકબરી કર્મચારીઓને ચોક્કસ “સ્ક્રિપ્ટ” અને સંભવિત ખેડૂતોના નંબર આપતા હતા. “ટ્રસ્ટ નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા સૂચનાઓ અપાતી હતી. મહિલા કર્મચારીઓ પોતાના સાચા નામો છુપાવીને “એગ્રીકલ્ચરલ લોન” અથવા “7/12 પર 2 કરોડ સુધીની લોન” આપવાના બહાને ખેડૂતોને જાળમાં ફસાવતી હતી. ઓફિસે બોલાવ્યા બાદ સાટાખતના બહાને જમીન પોતાના કે સહ-આરોપીઓના નામે ટ્રાન્સફર કરાવી લેવામાં આવતી હતી. જેમાં વેપારીને સાથે ફોન ઉપર વાત કરી તમને મેં વોટ્સએપ પર પણ પેમ્પલેટ મોકલેલ છે તો તે વાંચી લેજો, તે વાંચી તમે તેમ કહી જમીન ઉપર લોન કરાવા માટે તેમજ જમીન લે વેચ માં મદદના કરવાનું કહી તેમાં મોટું કમીશન મળશે તેવી લાલચ આપી વેપારી પાસે લોન કરાવનારની માહિતી માંગવામાં આવતી, જો કઈ વધુ સારી રીતે વાત કરી અને લોન માટેનું પૂછે તો પછી પ્રાઈવેટ લોનની માહિતી આપી બાકી જમીન લે-વેચ માટે વાત કરું છુ તેવું કહી પછી કોલ માં થેન્કયુ બોલી કોલ કટ કરવો તેવી સ્ક્રીપ્ટ બદ્ધ તાલીમ આપવામાં આવતી, બીજી સ્ક્રીપ્ટમાં ખેડૂતો ને ફસાવવા માટે સવારે 9:30 થી સાંજે 6:30 સુધી કઈ રીતે કામ કરવું અને ક્યા સમયે કોલિંગ કરવું તેમજ શું વાત કરવી અને ખેડૂતોને કાઈ રીતે ફસાવવા તેની વિગતવાર સ્ક્રીપ્ટ બનાવેલી મળી આવી હતી,જેમાં સર, તમારે પૈસાની જરૂૂર છે? ના, તો તમારા ગ્રુપમાંથી કે પૈસાની જરૂૂર હોય તેવા લોકોના નંબર આપજો. તમારા ગ્રુપમાં કોઈને જમીન-લે વેચ કરવાની છે તો તેમાં પણ તમને ઘણો લાભ અપાવી શકીશ તેવું કહી આર્થિક નબળા ખેડૂતોને ફસાવવામાં આવતા હતા.
