ગીરમાંથી દેશી વૃક્ષો કાપવાના રેકેટનો પર્દાફાશ, નવ ટન લાકડાનો જથ્થો ઝડપાયો

લીલીયા પોલીસે ગતરાત્રિએ ભોરીંગડા-લીલીયા માર્ગ પરથી ગેરકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું એક આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ.…

લીલીયા પોલીસે ગતરાત્રિએ ભોરીંગડા-લીલીયા માર્ગ પરથી ગેરકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું એક આઇસર ટ્રક ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ. વાય.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

મોટા બૃહદ ગીરના એશિયાઈ સિંહોના રહેઠાણ વિસ્તારમાં, ખાસ કરીને વાઘણીયા, ટીબડી, ભોરીંગડા અને ક્રાંકચ જેવા વિસ્તારોમાં લાંબા સમયથી સરકારી પડતર, ખરાબો અને ગૌચર જમીનમાંથી કોઈપણ મંજૂરી વગર ગાંડા બાવળની આડમાં મોટા પ્રમાણમાં દેશી બાવળ સહિતના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા. સ્થાનિક લોકોએ આ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માંગણી કરી હતી, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ ન હતી.

ગતરાત્રિના સમયે, પોલીસકર્મી મહેશભાઈ ચૌહાણ અને અમીનભાઈ જુણેજા નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ભોરીંગડા-લીલીયા માર્ગ પરથી પસાર થઈ રહેલા GJ 14 Z 4418 નંબરના આઇસર ટ્રકને રોકવામાં આવ્યું હતું.

ટ્રકના ચાલક જયંતીભાઈ કલાભાઈ મકવાણા (રહે. ભારાપરા, તા. તળાજા, જિ. ભાવનગર)ની પૂછપરછ કરતાં તેણે લાકડાનો જથ્થો ભોરીંગડાથી ભર્યો હોવાનું જણાવ્યું હતું. આઇસરમાંથી 9 ટન દેશી બાવળનું લાકડું, જેની કિંમત રૂૂપિયા 45,000/- છે, તેમજ 4 લાખ રૂૂપિયાની કિંમતનો આઇસર ટ્રક મળી કુલ 4 લાખ 45 હજાર રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ મામલે લીલીયા પોલીસના પોલીસકર્મી ભુજબલદાન ગઢવી, સંજયભાઈ ઇટાલીયા, પંકજભાઈ બગડા અને સંજયભાઈ ધાંધલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *