જૂનાગઢના ચોકલીમાં હડકાયા કૂતરાનો આતંક, એક જ દિવસમાં ચાર બાળકો લોહીલુહાણ

જૂનાગઢના ચોકલી ગામમાં હડકાયા શ્વાનનો ભારે આતંક જોવા મળ્યો છે. ગામમાં રખડતા એક શ્વાને આખા દિવસ દરમિયાન આતંક મચાવીને પાંચ લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યા…

જૂનાગઢના ચોકલી ગામમાં હડકાયા શ્વાનનો ભારે આતંક જોવા મળ્યો છે. ગામમાં રખડતા એક શ્વાને આખા દિવસ દરમિયાન આતંક મચાવીને પાંચ લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યા છે. શ્વાનના આ હુમલાને કારણે સમગ્ર ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.આ હુમલાનો ભોગ બનેલા લોકોમાં ચાર બાળકો અને એક આધેડનો સમાવેશ થાય છે.

શ્વાને અચાનક જ આ તમામ લોકો પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી દીધા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટનામાં ભોગ બનેલા આધેડ ચંદુભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે સવારે સાત વાગ્યાના અરસામાં હડકાયા કૂતરાએ સૌથી પહેલાં તેમને શિકાર બનાવ્યા હતા અને ત્યારબાદ અન્ય બાળકોને પણ કરડ્યું હતું. તેમણે આક્રોશ સાથે ઉમેર્યું હતું કે સરકાર દ્વારા આવા રખડતા કૂતરાઓનું યોગ્ય રસીકરણ કરવામાં આવે તે ખૂબ જ જરૂૂરી છે, કારણ કે આવા શ્વાન અવારનવાર વાહનો સાથે ભટકાઈને અકસ્માત પણ સર્જતા હોય છે.

ગામમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોકલી ગામના લોકોએ તંત્ર સમક્ષ તાકીદે માંગ કરી છે કે આ હડકાયા અને રખડતા શ્વાનને વહેલી તકે પકડી લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ મોટી હોનારત કે અન્ય કોઈ વ્યક્તિ તેનો ભોગ બનતા બચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *