મુન્દ્રામાં ચીનથી આયાત કરેલા રૂપિયા 72.89 લાખના પીવીસી મટીરીયલની ઉચાપત

મુંદરાના ધ્રબ વિસ્તારમાં આવેલા યદુવંશી વેરહાઉસના ગોડાઉન સંચાલક દ્વારા દિલ્હીની એક ખાનગી કંપનીના રૂૂ. 72.89 લાખની કિંમતના 56 ટન પીવીસી મટીરીયલની ઉચાપત કરી છેતરપિંડી આચરવામાં…

મુંદરાના ધ્રબ વિસ્તારમાં આવેલા યદુવંશી વેરહાઉસના ગોડાઉન સંચાલક દ્વારા દિલ્હીની એક ખાનગી કંપનીના રૂૂ. 72.89 લાખની કિંમતના 56 ટન પીવીસી મટીરીયલની ઉચાપત કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે કંપનીના જનરલ મેનેજર દ્વારા મુંદરા પોલીસ મથકે ગોડાઉન સંચાલક સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દિલ્હી સ્થિત અટજક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જનરલ મેનેજર રાહુલ છતરસિંહ છાજેડ દ્વારા મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. તેમની કંપની મુખ્યત્વે પીવીસી દરવાજા બનાવવાનું કામ કરે છે.
આ ઉત્પાદન માટે કંપની દ્વારા ચીનથી ફાઈન કેમ કંપનીનું પીવીસી પ્રોસેસિંગ એડ મટીરીયલ આયાત કરાયું હતું. ગત 15 માર્ચના આ 56 ટન માલ (કુલ 2240 બેગ) મુંદરા પોર્ટ પર આવ્યો હતો. કસ્ટમ ક્લિયરન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગત 27 માર્ચના આ માલ ધ્રબ ખાતે યશ વોટર પ્લાન્ટ સામે આવેલા યદુવંશી વેરહાઉસના ગોડાઉન નંબર-4 માં રાખવામાં આવ્યો હતો, જેનું સંચાલન વિકાસ શર્મા નામનો શખ્સ કરતો હતો.

જ્યારે કંપની દ્વારા ગત તા.11 જૂન અને 18 જૂનના મુંદરા ખાતે માલ લોડ કરવા માટે ટ્રકો મોકલવામાં આવી, ત્યારે ગોડાઉન સંચાલક વિકાસ શર્માએ માલ પાછળની સાઈડે છે, લોડિંગ બંધ છે અને માલ બીજા ગોડાઉનમાં પડેલ છે તેવા વિવિધ બહાના કાઢી માલ લોડ થવા દીધો ન હતો.

આ બાબતે શંકા જતા કંપનીના કસ્ટમ ક્લિયરિંગ એજન્ટ અને ત્યારબાદ કંપનીના અધિકારીઓએ રૂૂબરૂૂ મુંદરા આવી ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં કોઈ માલ જોવા મળ્યો ન હતો. ગોડાઉન સંચાલકનો સંપર્ક કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

કંપનીની કોઈપણ પ્રકારની મંજૂરી કે સહમતી વિના રૂૂ. 72,89,555 ની કિંમતનો માલ બારોબાર સગેવગે કરી કે વેચાણ કરી વિશ્વાસઘાત કરવા બદલ ગોડાઉન સંચાલક વિકાસ શર્મા સામે ગુનો દાખલ કરાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *