પુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગો

ગુપ્ત સંશોધન કેન્દ્રમાં 3500થી વધુ કર્મચારીઓ કાર્યરત, હરીફો-દુશ્મનોનો ખાત્મો બોલાવવા ‘ટોક્સિકોલોજી કોમ્પલેક્સ’ બનાવ્યું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા નીચે ધમધમતા એક એવા કાળા સામ્રાજ્યનો પર્દાફાશ…

ગુપ્ત સંશોધન કેન્દ્રમાં 3500થી વધુ કર્મચારીઓ કાર્યરત, હરીફો-દુશ્મનોનો ખાત્મો બોલાવવા ‘ટોક્સિકોલોજી કોમ્પલેક્સ’ બનાવ્યું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા નીચે ધમધમતા એક એવા કાળા સામ્રાજ્યનો પર્દાફાશ થયો છે, જે માનવજાત માટે અત્યંત જોખમી છે. રશિયાની તપાસ સંસ્થા ‘પ્રોએક્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, પુતિને પોતાના રાજકીય હરીફો અને વિદેશી દુશ્મનોનો સફાયો કરવા માટે એક જટિલ અને વિશાળ ‘ટોક્સિકોલોજી કોમ્પ્લેક્સ’ ઊભું કર્યું છે. આ નેટવર્કમાં હજારો વૈજ્ઞાનિકો અને સુરક્ષા અધિકારીઓ એવી રીતે કામ કરી રહ્યા છે કે જેની તુલના સોવિયત યુનિયન અથવા નાઝી જર્મનીના ભયાનક માનવ પરીક્ષણો સાથે કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કાળા કારોબારના કેન્દ્રમાં મોસ્કો સ્થિત ‘સિગ્નલ’ નામનું વૈજ્ઞાનિક હબ છે. વર્ષ 2010માં પુતિનના સીધા આદેશથી સ્થાપિત આ સંસ્થામાં અંદાજે 500 નિષ્ણાતો કામ કરે છે. આ કેન્દ્રનું મુખ્ય કામ અત્યંત ઘાતક ઝેરનું સંશ્ર્લેષણ કરવું, તપાસ એજન્સીઓથી કેવી રીતે બચી શકાય તે શીખવું, અને ઝેર આપવાની નવી પદ્ધતિઓ પર સંશોધન કરવાનું છે.

આ સંસ્થાનું નેતૃત્વ સુરક્ષા સેવા (FSB) ના ભૂતપૂર્વ અધિકારીઓ અને વરિષ્ઠ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે, જેમના સંબંધો અગાઉ થયેલા હાઈ-પ્રોફાઈલ પોઈઝનિંગ કેસો સાથે સીધા જોડાયેલા છે.

અહેવાલના સૌથી ભયાનક પાસા મુજબ, રશિયાની મિલિટરી મેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GNIIM VM MO)ને 2015થી ‘તંદુરસ્ત સૈનિક સ્વયંસેવકો’ પર પ્રયોગ કરવાની સત્તા આપવામાં આવી છે. આ 100 બેડની ક્લિનિકમાં સૈનિકોને આર્ટિલરી બ્લાસ્ટની અસરો, નર્વ-એજન્ટ્સ (ચેતાતંત્ર પર અસર કરતા ડ્રગ્સ) અને અસહ્ય શારીરિક તણાવ હેઠળ રાખવામાં આવે છે. આ પ્રયોગોનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે દુશ્મન સૈન્યને કઈ રીતે સૌથી વધુ અસરકારક રીતે નષ્ટ કરી શકાય. આ પ્રયોગોને કારણે અનેક સૈનિકોને લોહીના દબાણમાં અચાનક ઉછાળો, યાદશક્તિમાં ઘટાડો અને કાયમી ન્યુરોલોજીકલ નુકસાન વેઠવું પડ્યું છે.

નિષ્ણાતોનું કહેવું છે કે મિલિટરી હાઈરાર્કીમાં સૈનિકો પર કરવામાં આવતા પ્રયોગો ક્યારેય ‘સ્વૈચ્છિક’ હોઈ શકે નહીં, કારણ કે ત્યાં આદેશનું પાલન કરવું ફરજિયાત હોય છે. આ સમગ્ર વ્યવસ્થા સુરક્ષા સેવાઓના નિરીક્ષણ હેઠળ ચાલે છે, જેનો મુખ્ય હેતુ રાજ્યના દુશ્મનોને ચૂપ કરવાનો છે. અત્યાર સુધી ક્રેમલિન દ્વારા આ આક્ષેપો પર મૌન સેવવામાં આવ્યું છે, પરંતુ જો આ વિગતો આંતરરાષ્ટ્રીય સ્તરે સાબિત થાય, તો રશિયા પર ગંભીર પ્રતિબંધો અને માનવતા વિરુદ્ધના ગુના હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

દુનિયામાં દહેશત ફેલાવનાર હથિયાર – નોવિચોક
આ લેબોરેટરી નેટવર્કે જ 2018માં બ્રિટનમાં થયેલા સર્ગેઈ સ્ક્રિપાલ અને તેમની પુત્રી યુલિયા પરના હુમલા માટે ‘નોવિચોક’ જેવું જીવલેણ ઝેર પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, પુતિનના સૌથી મોટા વિરોધી એલેક્સી નેવલનીને ઝેર આપી ખતમ કરવા પાછળ પણ આ જ એક્સપર્ટ ટીમનો હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ નેટવર્ક મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી જેવી નાગરિક સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે, જે વૈજ્ઞાનિક જગત માટે ચિંતાનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *