અમદાવાદનાં સોની પરિવારે કચ્છમાં બોગસ ખાતેદાર બની રાજ્યભરમાં જમીનો ખરીદી લીધી
અમદાવાદ ખાતે રહેતા 12 વ્યક્તિઓએ બનાવટી ખેડૂત બનીને ખંભાત તાલુકાના ગોલાણા સહિત ગુજરાતના અલગ અલગ સ્થળોએ બોગસ ખેડૂત ખાતેદાર બનીને કરોડો રૂૂપિયાની જમીનો ખરીદી હોવાનો મામલો સામે આવ્યો છે.
આ મામલે તારાપુરના ગલીયાણાના વિજયકુમાર ભરવાડે ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમદાવાદમાં સુવર્ણા બેન સુરેન્દ્રભાઈ સોની સહિતના વ્યક્તિઓએ ખેડૂત ન હોવા છતાં ખંભાતના ગોલાણાની સીમમાં ખેતીલાયક જમીન ખરીદી હોવાનું ધ્યાને આવતા તેમણે આણંદ જિલ્લા જમીન તકેદારી સમિતિમાં રજૂઆત કરી હતી.
એસઆઇટીએ તપાસ કરતા સુવર્ણાબેન સોની, દીપ્તીબહેન કિરણકુમાર ચોક્સી, નિશિથ સુરેન્દ્રભાઈ સોની, તૃપ્તિબેન સુરેન્દ્રભાઈ સોની, સ્વપ્નિલ સુરેન્દ્રભાઈ સોની, સ્નેહા કિરણકુમાર ચોકસી, પૌલોમી કિરણકુમાર ચોકસી, રવિ કિરણકુમાર ચોકસી, અલ્પા નિશિથ ભાઈ સોની, સાગર નીસિથ ભાઈ સોની, આકાશ નીષિથ ભાઈ સોની અને બાદલ નિશિથ ભાઈ સોનીએ ભેગા મળી કાવતરું રચી કચ્છના લખપતના લાખાપરની જમીનના મહેસૂલી રેકોર્ડમાં સાત બારના ઉતારામાં મૂળ માલિકનું નામ સુરેન્દ્ર અંબાલાલ (બ્રાહ્મણ) નોંધાયેલું હતું. પરંતુ તેમની અટકનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
તેનો ખોટી રીતે લાભ લઈ સુવર્ણા બેનના પતિનું નામ પણ સુરેન્દ્ર અંબાલાલ હોવાથી સમાન નામનો દૂર ઉપયોગ કરી તૃપ્તિ અંબાલાલ સોનીએ ઓક્ટોબર 2018માં જમીન સુરેન્દ્રભાઈ સોનીની હોવાનું જણાવી વારસાઈ નોંધ દાખલ કરવા માટે અરજી આપી હતી. સુરેન્દ્ર અંબાલાલ સોનીને 23 જાન્યુઆરી 2009ના રોજ અવસાન પામ્યા હોવાનું બતાવી બોગસ મરણનો દાખલો રજૂ કરી સુવાણાબેન સોની, દિપ્તી ચોકસી, નિશિથ સોની, તૃપ્તિ સોની અને સ્વપ્નિલ સોનીને કાયદેસર વારસદાર તરીકે દર્શાવતું ખોટું પેઢીનામુ અને પંચનામુ બોપલના તલાટી કમ મંત્રી સમક્ષ રજૂ કર્યું હતું.
