ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી બાબુશાહીનો ભાંડો ફોડતા ભાજપના જ સાંસદ
ફરિયાદ અને સંકલનની બેઠકમાં પણ કોર્પોરેશનના વહીવટી વડાઓ હાજર રહેવાના બદલે મદદનીશોને ધકેલી દયે છે
કોર્પોરેશનના 18 હોલને લાંબા સમયથી સીલ, ગરીબ-મધ્યમ વર્ગને ખાનગી પાર્ટી પ્લોટ-હોલ ભાડે રાખવા પડે છે
રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ થોડા દિવસ પહેલા રેશનિંગની દૂકાનો પર અપાતા સડેલા અનાજનો જથ્થો કલેકટર સહિતના અધિકારીઓ સમક્ષ રજૂ કરી તંત્રને દોડતુ કરી દિધા બાદ હવે રાજકોટ મહાનગર પાલિકાના તંત્ર ઉપર સાંસદ મોકરીયાનો કોપ ઉતર્યો છે. ભાજપ શાસિત મહાનગર પાલિકાની ભાજપના જ સાંસદે જ મોરચો ખોલી દેતા સ્થાનિક રાજકારણમા ભારે ગરમાવો આવી ગયો છે.
રામભાઇ મોકરિયાએ એક નિવેદનમાં આક્રોશ ઠાલવતા જણાવેલ છે કે, ફરિયાદ અને સંકલનની મીટીંગમાં પણ કોર્પોરેશનના કમિશનર અને દરેક વિભાગના વહિવટી વડાએ હાજર રહેવાનુ હોય છે. પરંતુ વહિવટી વડાઓ હાજર રહેતા નથી અને તેમના મદદનિશ સ્ટાફને મોકલી આપે છે.
તેમણે નિવદેનમાં જણાવેલ છે કે, દર મહિનાના ત્રીજા શનિવારે ફરિયાદ અને સંકલનની મિટિંગ યોજવામાં આવે છે આ મિટિંગમાં પ્રજાને લગતા અગત્યના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે.આ મિટિંગમાં કલેકટર તથા મ્યુનિસિપલ કમિશનર તથા દરેક વિભાગના વહીવટી વડાએ હાજર રહેવાનું હોય છે.પરંતુ વહીવટી વડા હાજર રહેતા નથી અને તેના બદલે તેના મદદનીશ/સ્ટાફને મોકલી આપે છે.તેઓ પૂરી તૈયારી સાથે આવતા નથી પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે આપતા નથી અથવા તારીખ ઉપર તારીખ નાખીને પ્રશ્ન લંબાવે છે દાખલા તરીકે નેશનલ હાયવે, ટ્રાફિક,માર્ગ મકાન વિભાગ,કોર્પોરેશન વિગેરેના જેવા ઘણા વિભાગોના પ્રશ્ન પેન્ડિંગ હોય છે.અને ટી આર પી હોનારત પછી કોર્પોરેશનના અધિકારી સાવ નિષ્ક્રિય થઈ ગયા છે તેમજ અધિકારીઓએ રાજીનામાં આપવા લાગ્યા છે અને અમુક અધિકારીઓ જેલમાં છે આથી પ્રજાના જીવન જરૂૂરિયાતના કામો થતાં નથી અને વિના કારણે કોર્પોરેશનમાં પ્રજાના કામોને અધિકારીઓ ટલ્લે ચડાવે છે.
ટીઆરપી હોનારત પછી રાજકોટમાં 18 મ્યુનિસિપલ હોલને શીલ લાગેલા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ હોલ જાહેર પ્રજાને અને તેમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગ લોકોને લગ્ન પ્રસંગે તથા અન્ય પ્રસંગે વ્યાજબી ભાવથી હોલ ભાડે આપવામાં આવે છે. આ હોલ પ્રજા માટે સત્વરે ખોલવા જોઈએ તેવી રજૂઆત કરેલી છે. મધ્યમ વર્ગના લોકો આ સુવિધાથી વંચિત રહે છે અને નાછૂટકે લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગે પાર્ટી પ્લોટ કે અન્ય જગ્યા ઊંચા ભાડાથી ભાડે રાખવી પડે છે જેનાથી રાજકોટની પ્રજાને આર્થિક રીતે ખૂબજ મોટું નુકસાન થાય છે. આ બાબતે ફરીવાર કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનરનું સંસદ સભ્ય રામભાઈએ ધ્યાન દોરીને તાત્કાલિક આ હોલને ચાલુ કરવા માટે કડક તાકીદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં દાયકાઓથી ભાજપનું શાસન છે. અને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકોના સામાન્ય કામો પણ થતા નથી આમ છતાં ભાજપના મોટાભાગના નેતાઓ ચૂપ બેસીને તમાસો નિહાળી રહ્યા છે. ત્યારે ભાજપના સાંસદે અંતે અવાજ ઉઠાવ્યો છે અને કોર્પોરેશનના અધિકારીઓનો કાન આમળ્યો છે.
મહાનગરપાલિકામાં ભાજપ V/S ભાજપ જેવી સ્થિતી
રાજકોટ ભાજપમાં છેલ્લા લાંબા સમયથી બે જૂથો વચ્ચે આંતરિક લડાઇ ચાલી રહી છે. વિજયભાઇ રૂપાણી જૂથ સત્તામાં હતુ ત્યારે પણ રામભાઇ મોકરિયા પોતાની સ્ટાઇલમાં તડાફડી બોલાવતા હતા જ્યારે હાલ ભાજપનું જ બીજુ જૂથ સત્તામાં છે ત્યારે પણ રામભાઇ સટાસટી ભાજપમાં અંદરખાને રહેલો ધુંધવાટ સપાટી પર આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકાના તંત્ર સામે લોકોમાં ભારે નારાજગી છે. અને સ્થાનિક નેતાઓએ ગાંધીનગરમાં આ અંગે અવાર-નવાર રજૂઆતો કરી હોવા છતા કોઇ સહકાર મળ્યો નથી તેવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમા ભાજપનું શાસન હોવા છતા ભાજપના સાંસદની નારાજગી ઘણી બાબતો તરફ ઇશારો કરી રહી છે. હાલ કોર્પોરેશનમા ભાજપ વિરૂદ્ધ ભાજપ જેવી સ્થિતી જોવા મળી રહે છે.
