સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો વચ્ચે જાહેરમાં ટકરાવ

લોયાધામ ખાતે મુકત મુનિ મહોત્સવમાં જ ગુરૂ પરંપરાને લઇને ઘનશ્યામ પ્રકાશ સ્વામી અને નિત્ય સ્વરૂપ સ્વામી વચ્ચે વાકયુધ્ધ છેડાતા હરિભકતોમાં ચકચાર સ્વામિનારાયણ સંપ્રદાયના લોાયાધામ ખાતે…

લોયાધામ ખાતે મુકત મુનિ મહોત્સવમાં જ ગુરૂ પરંપરાને લઇને ઘનશ્યામ પ્રકાશ સ્વામી અને નિત્ય સ્વરૂપ સ્વામી વચ્ચે વાકયુધ્ધ છેડાતા હરિભકતોમાં ચકચાર

સ્વામિનારાયણ સંપ્રદાયના લોાયાધામ ખાતે ચાલી રહેલા મહોત્સવ વચ્ચે સ્વામિ નારાયણ સંપ્રદાયના જ બે સંતો વચ્ચે ગુરૂ પરંપરાને લઇને જાહેર ટકરાવ થતા હરિભકતોમા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

વડતાલ તાબાના બે વિદ્વાન સંતો-ઘનશ્યામ પ્રકાશ સ્વામી અને નિત્યસ્વરૂૂપ સ્વામી-લોયાધામ ખાતે ચાલી રહેલા મુક્ત મુનિ મહોત્સવ દરમિયાન જાહેર મંચ ઉપર આમને સામને આવી ગયા હતા. ગુરુપરંપરા, અક્ષરમૂર્તિ અને સંતોની મહિમાને લઈને થયેલા આ વાદવિવાદે સંપ્રદાયમાં ચર્ચા જગાવી છે.

લોયાધામ ખાતે મુક્ત મુનિ મહોત્સવ ચાલી રહ્યો છે, જેની પૂર્ણાહુતિ 31 ડિસેમ્બરે થવાની છે. આ મહોત્સવના આયોજક ઘનશ્યામ પ્રકાશ સ્વામી છે, જ્યારે નિત્યસ્વરૂૂપ સ્વામી વ્યાખ્યાન આપવા માટે ઉપસ્થિત થયા હતા. વ્યાખ્યાન દરમિયાન નિત્યસ્વરૂૂપ સ્વામીએ ગુરુનિષ્ઠા, સાધુતાની મહત્તા અને અક્ષરમૂર્તિના વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું કે “મારા ઈષ્ટદેવ કે મારા ગુરુદેવ વિશે હું જરાય સાંભળી શકતો નથી, મારી એ તાકાત નથી,” તેમજ “કોઈના પ્રસંગમાં જઈએ ત્યારે આવી રીતે વર્તન ન કરવું.”

આ નિવેદન બાદ ઘનશ્યામ પ્રકાશ સ્વામી દ્વારા મંચ પરથી જ પ્રતિક્રિયા આપવામાં આવી, જેમાં તેમણે નિત્યસ્વરૂૂપ સ્વામીને “બેટા” કહી સંબોધન કર્યું અને જૂનાગઢ તથા વડતાલ પરંપરાના દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો. અક્ષરમૂર્તિ તરીકે કોણ માન્ય છે, ગુણાતિત સ્વામી અને ગોપાળાનંદ સ્વામી અંગેના મતભેદો ખુલ્લેઆમ મંચ પરથી વ્યક્ત થયા. આ ચર્ચા તું-તારીના સ્તર સુધી પહોંચી જતા કાર્યક્રમની ગરિમા પર પણ સવાલ ઊભા થયા.

વિવાદ અહીં અટક્યો નહીં. નિત્યસ્વરૂૂપ સ્વામી મહોત્સવમાંથી નીકળી ગયા બાદ બીજા અને ત્રીજા દિવસે ઘનશ્યામ પ્રકાશ સ્વામીએ ફરીથી જાહેર મંચ પરથી નિવેદન આપ્યા. તેમણે નિત્યસ્વરૂૂપ સ્વામી પર “બુદ્ધિ ભ્રષ્ટ” કરવાની ગંભીર ટિપ્પણી કરી અને કહ્યું કે તેમના નિવેદનોથી હરિભક્તોમાં ગેરસમજ ફેલાઈ રહી છે. આ નિવેદનો દરમિયાન મંચ પર સંતો, હરિભક્તો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા, જેમાંથી કેટલાકે તાળીઓ વગાડી સમર્થન પણ આપ્યું.

એક જ તાબાના બે સંતો વચ્ચે આ પ્રકારની જાહેર ટકરાવથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વર્ચસ્વની લડાઈ ખુલ્લેઆમ સામે આવી છે. ધર્મ, સાધુતા અને ગુરુપરંપરા જેવા વિષયો પર ચર્ચા થવી સ્વાભાવિક છે, પરંતુ જાહેર મહોત્સવના મંચ પરથી વ્યક્તિગત આક્ષેપો અને કઠોર શબ્દપ્રયોગ થવાથી સંપ્રદાયની એકતા અને મર્યાદા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

હાલ આ વિવાદ કયા વળાંક લે છે અને સંપ્રદાયના વરિષ્ઠો અથવા સંસ્થાગત સ્તરે કોઈ સમાધાનની કોશિશ થાય છે કે નહીં, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. પરંતુ લોયાધામમહોત્સવ દરમિયાન થયેલી આ ઘટનાએ સ્વામિનારાયણ (Swaminarayan ) સંપ્રદાયમાં ચર્ચા અને ચિંતા બંને વધારી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *