જામનગર તાલુકા ના ત્રણ ગામના ખેડૂતો એ આજે અપૂરતા વીજ પુરવઠાના પ્રશ્ને વિશાળ રેલી કાઢી વિજ કચેરી માં આવેદનપત્ર પાઠવી રજુઆત અને માંગણી કરી હતી. જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં નહીં આવે તો પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ પણ દર્શાવાઈ છે. જામનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય ઝુલેખાબેન કાસમભાઈ ખફીના લેટરપેડ ઉપર આવેદન પાઠવાયુ હતું જે તે પહેલા તેમના પતિદેવ કાસમભાઈ ખફીની આગેવાનીમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી.
આ પછી પીજીવીસીએલના એસ ઇ ને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર માં રજુઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં 132 કેવીનું પાવર સ્ટેશન મસીતીયા રોડ ઉપર બનાવાયું છે. જેમાથી છેલ્લા 20 દિવસથી ખેડૂતોને પાવર આપવામાં આવે છે.
વાવબેરાજા, મસીતીયા, ચાંપાબેરાજા ગામ ના ખેડૂતો એ મગફળીનું વાવેતર કર્યું છે. તેના માટે હાલના સમયમાં વીજળીની જરૂૂર છે. સરકારે આઠ કલાક વીજ પુરવઠાની જાહેરાત પણ કરી છે પરંતુ આઠ કલાક માં પાંચ થી દસ વખત ટ્રેપીંગ આવે છે. વારંવાર વીજ લાઈનો તૂટે છે, પરિણામે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વીજ પુરવઠો મળતો નથી. આથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જો પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો ફાળવવામાં આવે તો વાવેતર 100 ટકા ઉગી નીકળશે. જેથી રાજ્ય ના ખેડૂતો મજબૂત બનશે. ખેડૂતો ત્રણ હજાર એક મણ ના નાણા લેખે મગફળીના બી ખરીદ કરીને વાવેતર કર્યું છે. ખાતર નાખ્યું છે, માત્ર 1પ થી ર0 દિવસમાં બે વખત પાણી મળે તો ઉત્પાદન સારૂૂ મળશે. અને ખેડૂતોને પોતાની મહેનતનું વળતર મળશે.
ખેડૂતો એ બેંકમાંથી લોન લીધી છે, એગ્રો વાળા પાસે થી ઉધાર ખરીદી કરી જમીન માં બીજ, ખાતર, દવા નાખેલ છે. જો પાક નિષ્ફળ જશે તો ખેડૂતો દેવાદર બની જશે. આ ગામો માત્ર વીજ પૂરવઠો આધારિત ખેતી ઉપર નિર્ભર છે. બોર અને કૂવા સિવાય પાણી નો કોઈ વિકલ્પ નથી.
અનેક ગામનો 50 થી 60 ટકા જમીનને કેનાલ માંથી પાણી મળે છે. પરંતુ આ ગામો માત્ર સિંચાઈ, બોર, કૂવાનો ઉપયોગ કરે છે. આથી વિજળી વગર ઉભો પાક બચાવવો શકય નથી. આ ગામના ખેડૂતોને રઝળતા ઢોરનો પણ અસહ્ય ત્રાસ છે. ખેડૂતો માત્ર 2 થી 4 કલાકની જ ઉંઘ કરે છે.
આ ત્રણેય ગામ હાલ ગોકુલનગર સબ ડિવિઝનમાંથી વીજ પૂરવઠો વિતરણ થાય છે. આ ડિવિઝન એટલુ મોટું છે કે તેમાંથી 3 થી 4 સબ ડિવિઝન બની શકે તેમ છે. જેમાં 10 થી 12 ગામનો સમાવેશ થાય છે. મસીતીયા, કનસુમરા, વાવ બેરાજા, ચાંપા બેરાજા, નાઘેડી, લાખાબાવળ, સરમત, ખારાબેરાજા, ઢીંચડા ગોરધનપર ઉપરાંત શહેરના વિસ્તારો ગોકુલનગર, નગરસિમ, તિરૂૂપતિ નો સમાવેશ થાય છે.
જો આ સોસાયટીઓને સિટી સામે જોડી દેવામાં આવે તો ગામડાની વિજ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. જો આગામી બે-ચાર દિવસમાં મગફળીને વિજળી ના વાંકે પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે. તેની જવાબદારી સરકારની રહેશે તેવો આક્રોષ પણ વ્યકત કરાયો છે.
