મનપાના વેરા વિભાગે ઝોનવાઇઝ ચેકિંગ હાથ ધરી 1540 મિલકતધારકોને જપ્તી નોટિસ ફટકારી
મનપાના વેરા વિભાગ દ્વારા જાન્યુઆરી માસથી મિલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂધ્ધ કડક ઝૂંબેશ શરૂ કરવામા આવી છે. જે અંતર્ગત ત્રણેય ઝોનના 18 વોર્ડમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન રહેણાક અને કોમર્શિયલની 198 મિલકત સીલ કરી નોટિસ હોવા છતા વેરો ન ભરનાર 1540 આસામીઓને જપ્તીની નોટિસ ફટકારી હતી. સીલથી બચવા 3245 આસામીઓએ સ્થળ ઉપર વેરો ભરપાઇ કરતા મનપાને 10.34 કરોડની આવક થઇ હતી.
મનપાના વેરા વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ચડત મિલકત વેરો હોય તેવા આસામીઓ વિરૂધ્ધ સીલિંગ અને જપ્તી સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમા એક સપ્તાહ દરમિયાન વોર્ડ નં.2માં 1, વોર્ડ નં.3-17, વોર્ડ નં.7-608 વોર્ડ નં.13 – 56, વોર્ડ નં.17-27, વોર્ડ નં.14,20 સહિત 95 મિલકતો સીલ કરવામાં આવી હતી. ઇસ્ટઝોનમાં છ વોર્ડમાં 24 મિલકત અને વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 103 સાથે કુલ 198 મિલકતો સીલ કરવામાં આવી હતી. અગાઉ સીલ થયેલ મિલકતો પૈકી 1540 આસામીઓને જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. સ્થળ ઉપર 3245 આસામીઓએ વેરો ભરપાઇ કર્યો હતો. જેમાં ચેક અને રોકડનો સમાવેશ થાય છે. છતાં સીલિંગથી બચવા ચેક આપવામાં આવેલ હોય અને અમુક કિસ્સામાં ચેર રીર્ટન થયા હોય તેવા આસામીઓ વિરૂધ્ધ ફરિયાદ કરવા સહિતના પગલા લેવામાં આવશે.
મનપાના વેરા વિભાગ દ્વારા જાન્યુઆરી માસથી ચાલુ કરવામાં આવેલ રીકવરી ઝૂંબેશ હાલમાં વ્યાજમાફી યોજના ચાલુ કરેલ હોવા છતા પૂર્વવત રાખવામાં આવી છે. એક સપ્તાહમાં 198 મિલકતો સીલ કર્યા બાદ આ ઝૂંબેશ આગામી 31 માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે. તેમજ 1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓ વિરૂધ્ધ આ વર્ષ સીલિંગ કામગીરી ચાલુ રખાશે તેમ જાણવા મળેલ છે. વેરા વિભાગે બાકીદારોના લીસ્ટ બનાવવાનુ શરૂ કર્યુ છે. આગામી દિવસોમાં 2858 મિલકત ધારકોને જપ્તીની નોટિસ ફટકારવામાં આવશે. વેરા વિભાગે વધુમાં જણાવેલ કે, વેસ્ટઝોન અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો આવેલા છે અને જૂની મિલકતો પણ વધુ હોવાથી આ બંન્ને ઝોનમાં બાકીદારોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.
વ્યાજ માફી સફળ : 2 દી’માં 3.63 કરોડની આવક
મનપાના વેરા વિભાગે 10 વર્ષ બાદ મિલકત વેરામાં વ્યાજમાફી યોજના ગત ગુરુવારથી શરૂ કરી છે. જેને જબરો પ્રતિસાદ સાપડ્યો છે. આ વખતે સંપૂર્ણ વ્યાજમાફીના બદલે પાણી વેરો અને મિલકત વેરામાં રૂા.5000 વ્યાજ માફ કરી દેવામાં આવ્યુ છે. જેના લીધે નાના મિલકત ધારોકે તેનો લાભ લેતા બે દિવસમાં 1621 આસામીઓએ વ્યાજમાફીનો લાભ લેતા મહાનગપાલિકાને રેકોર્ડબ્રેક 3.63 કરોડની આવક થઇ છે. જેની સામે કરદાતાઓનુ અંદાજે રૂા.50 લાખ જેટલુ વ્યાજ માફ કર્યુ હોવાનુ વેરા વિભાગે જણાવ્યુ હતું.
