ગુજરાત સરકાર દ્વારા બિનખેતી (ગઅ) થયેલા સર્વે નંબરો અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના નવા પરિપત્ર અનુસાર, હવે બિનખેતી થયેલા ગામ નમૂના નંબર 7 આધારિત પ્રોપર્ટી કાર્ડને ગામ નમૂના નંબર 7 સાથે મેપિંગ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂૂ કરી દેવામાં આવી છે. તંત્રની પારદર્શિતા વધારવા માટે, એક ગામ નમૂના નંબર 7 સામે એક અથવા એકથી વધુ પ્રોપર્ટી કાર્ડનું મેપિંગ કરવા માટેની સ્પષ્ટ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
આ પ્રક્રિયા હેઠળ બિનખેતી થયેલા સર્વે નંબરોમાં હવે ગામ નમૂના નંબર 7 સદંતર બંધ કરવામાં આવશે અને તેના સ્થાને પ્રોપર્ટી કાર્ડ અપડેટ કરવાની ચોક્કસ પદ્ધતિ નક્કી કરાઈ છે. મહેસૂલ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કરીને સમગ્ર રાજ્યમાં તેનો તાત્કાલિક અમલ કરવા માટે કડક સૂચનાઓ આપી છે. આ નિર્ણયથી જમીનની માલિકીના રેકોર્ડ વધુ સચોટ બનશે અને મિલકત ધારકોની મુશ્કેલીઓનો અંત આવશે.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય બિનખેતી થયેલ જમીનના સર્વે નંબરના ગામ નમૂના નં.-7ના રેકોર્ડના આધારે નવા પ્રોપર્ટીકાર્ડ બનાવવાનો છે. સાથે જ બનેલા પ્રોપર્ટીકાર્ડનું ગામ નમૂના નં.-7 સાથે મેપિંગ કરવું અને ત્યારબાદ ગામ નમૂના નં.-7 બંધ કરી ભવિષ્યની તમામ ફેરફાર નોંધો પ્રોપર્ટીકાર્ડમાં જ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો છે.
મહેસૂલ વિભાગના પરિપત્રમાં અલગ-અલગ પરિસ્થિતિઓ મુજબ ત્રણ મુખ્ય પ્રકારમાં કાર્યવાહી વહેંચવામાં આવી છે. પ્રકાર-1માં ગામ નમૂના નં.-7 ચાલુ હોય અને પ્રોપર્ટીકાર્ડ પણ બનેલ હોય તેવા કિસ્સામાં બન્નેનું મેપિંગ કરી ક્ષેત્રફળની ચકાસણી કરવામાં આવશે. મેપિંગ પૂર્ણ થયા બાદ સક્ષમ અધિકારીના હુકમથી ગામ નમૂના નં.-7 બંધ કરવાની ફેરફાર નોંધ (ગામ નમૂના નં.-6)માં દાખલ થશે. ડેટા અદ્યતન ન હોય તો, ગામ નમૂના નં.-7 ના લેટેસ્ટ ડેટા આધારે ધારણકર્તા અને બીજા હક્કની વિગતો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ/ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્ઝની હુકમી નોંધથી અદ્યતન કરાશે.
પ્રકાર-2માં ગામ નમૂના નં.-7ના આધારે પ્રોપર્ટીકાર્ડ બનાવવાના બાકી હોય તેવા કિસ્સામાં CSIS સોફ્ટવેરના બિનખેતી પ્રોપર્ટીકાર્ડ ડેટા એન્ટ્રી મોડ્યુલ દ્વારા નવી એન્ટ્રી કરતા પહેલાં ડુપ્લીકેશન ન થાય તેની ચકાસણી કરાશે. ચકાસણી બાદ ગામ નમૂના નં.-6 અને 7ના ડેટાના આધારે પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી, તેનું મેપિંગ કરી ગામ નમૂના નં.-7 બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
પ્રકાર-3માં ગામ નમૂના નં.-7 બંધ હોય અને પ્રોપર્ટીકાર્ડ બનેલ હોય પરંતુ અદ્યતન ન હોય તેવા કિસ્સામાં જો પ્રોપર્ટીકાર્ડ બન્યા પછી પણ ફેરફાર નોંધો માત્ર ગામ નમૂના નં.-7 કે 6માં જ પડી હોય અને પ્રોપર્ટીકાર્ડમાં અપડેટ ન થઈ હોય, રેકોર્ડ ઓફ રાઈટ્સ (ધારણકર્તા અને બીજા હક્કો)ની ચકાસણી કરી પ્રોપર્ટીકાર્ડને છેલ્લી સ્થિતિ મુજબ અદ્યતન (Update) કરવામાં આવશે. ગામ નમૂના નં.-7 બંધ થયા બાદ, બંધ થયા પહેલાંની સ્થિતિની વિગતો અને બનેલા પ્રોપર્ટીકાર્ડની તમામ વિગતો (જેમ કે જિલ્લો, સિટી સર્વે કચેરી, વોર્ડ, શીટ નંબર, ક્ષેત્રફળ વગેરે) ઓનલાઈન AnyROR પોર્ટલ પર “બિનખેતી હુકમથી બંધ થયેલ સર્વે નંબરની વિગતો જાણવા”ના ઓપ્શનમાં જોઈ શકાશે.
અમલીકરણ અને જવાબદારી પ્લોટવાઇઝ કે બહુમાળી મિલકતના કિસ્સામાં મંજૂર થયેલ લે-આઉટ પ્લાન મુજબનું ક્ષેત્રફળ આખરી ગણવામાં આવશે. આ તમામ પ્રક્રિયાના સંકલન, દેખરેખ અને માર્ગદર્શનની મુખ્ય જવાબદારી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક (ગાંધીનગર)ની રહેશે. આ સુચનાઓનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
