શિક્ષણ મંત્રાલયની સમિતિએ નીટ, જેઇઇ જેવી પરીક્ષાઓ માટે માત્ર બે-ત્રણ કલાક કોચિંગની સમયમર્યાદા નક્કી કરવા ભલામણ કરી: દેશમાં કોચિંગ ક્લાસો માટે એકસરખા નિયમો આવશે
દેશમાં „ NEET, JEE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધતા કોચિંગ કલ્ચરને લઈને કેન્દ્ર સરકાર હવે ગંભીર બની છે. વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણ, ડમી સ્કૂલની વધતી પ્રથા અને મોંઘા કોચિંગ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની સમિતિએ અનેક મહત્વપૂર્ણ ભલામણો કરી છે. સમિતિના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દરરોજ કોચિંગના કલાકો મર્યાદિત રાખવા જોઈએ.
ભલામણ મુજબ વિદ્યાર્થીઓને દિવસમાં વધુમાં વધુ 2થી 3 કલાક જ કોચિંગ લેવાની મંજૂરી હોવી જોઈએ જેથી તેમના પર અભ્યાસનો અતિરિક્ત ભાર ન પડે અને તેમને આરામ, રમતગમત તથા અન્ય પ્રવૃત્તિઓ માટે પણ સમય મળી રહે.
સમિતિએ સમગ્ર દેશમાં કોચિંગ સંસ્થાઓ માટે એકસરખા નિયમો લાગુ કરવા રાષ્ટ્રીય કાયદો બનાવવાની ભલામણ કરી છે. આ કાયદા દ્વારા કોચિંગ સંસ્થાઓની જવાબદારી નક્કી કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓના હિતોનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકશે.
અહેવાલમાં ડમી સ્કૂલની સમસ્યાને ગંભીર ગણાવી છે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર નામ માટે શાળામાં દાખલ હોય છે અને આખો સમય કોચિંગમાં પસાર કરે છે. આ પ્રથાને રોકવા માટે બાયોમેટ્રિક હાજરી જેવી વ્યવસ્થા અમલમાં લાવવાની ભલામણ કરવામાં આવી છે.
સમિતિએ કોચિંગ ક્લાસ દ્વારા કરવામાં આવતા ખોટા સફળતાના દાવાઓ સામે પણ કડક નિયમો લાવવાની ભલામણ કરી છે. હવે સંસ્થાઓએ શિક્ષકોની લાયકાત, સફળ થયેલા વિદ્યાર્થીઓની પ્રમાણિત માહિતી અને જાહેરાતોમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી પડશે.
સમિતિનું માનવું છે કે JEE, NEET અને CUET જેવી પરીક્ષાઓનો અભ્યાસક્રમ શાળાના અભ્યાસ સાથે વધુ સુસંગત હોવો જોઈએ. જેથી વિદ્યાર્થીઓને અલગથી ભારે કોચિંગ પર નિર્ભર રહેવું ન પડે.
11 મુખ્ય ભલામણો
કોચિંગ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય કાયદો બનાવવો.
પ્રવેશ પરીક્ષાઓને શાળાના અભ્યાસક્રમ સાથે સુસંગત બનાવવી.
શાળાઓની ગુણવત્તા વધુ મજબૂત કરવી.
કોચિંગ સંસ્થાઓમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવી.
વિદ્યાર્થીઓની સુરક્ષા અને જવાબદારી માટે સમાન નિયમો બનાવવું.
શિક્ષકોની લાયકાત અને સફળ વિદ્યાર્થીઓનો સત્તાવાર ડેટા જાહેર કરવો.
ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવો.
શાળાના વિદ્યાર્થીઓ માટે રોજના 2થી 3 કલાકથી વધુ કોચિંગ ન રાખવું.
આકરા કોચિંગને ધોરણ 12 પછી મર્યાદિત કરવાનો વિચાર.
સ્કૂલ અને કોચિંગની જવાબદારીઓ સ્પષ્ટ કરવી.
ડમી સ્કૂલ અટકાવવા બાયોમેટ્રિક હાજરી લાગુ કરવી.
હાલમાં આ સૂચનો સમિતિની ભલામણો છે. કેન્દ્ર સરકારે હજુ સુધી આ તમામ સૂચનોને કાયદા તરીકે અમલમાં મૂકવાની સત્તાવાર જાહેરાત કરી નથી. એટલે રોજના 2થી 3 કલાક કોચિંગની મર્યાદા હાલમાં અમલમાં આવેલો નિયમ નથી, પરંતુ વિચારાધીન ભલામણ છે.
