હાલમાં ગુજરાતમાં રાજકીય પ્રવાસ સિવાય ખાનગી જેટ-હેલિકોપ્ટરના નહિવત બુકિંગ, એક કલાકનું ભાડુ બે લાખથી વધીને 7.5 લાખ પહોંચ્યું
પશ્ચિમ એશિયામાં વધતા તનાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બંધ થવાના કારણે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં અભૂતપૂર્વ વધારો થતાં ગુજરાતમાં ચાર્ટર અને નોન-સ્કેજ્યુલ્ડ ફ્લાઈટ્સની બુકિંગ્સ તૂટી પડી છે. અમદાવાદમાં એટીએફનો ભાવ પ્રતિ કિલોલીટર રૂૂ. 69,000થી વધીને રૂૂ. 1.65 લાખથી 1.71 લાખ સુધી પહોંચ્યો છે, જેના કારણે ચાર્ટર ઓપરેટર્સના કાર્યકારી ખર્ચમાં ભારે વધારો થયો છે.
જીએસઈસી એવિએશન પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈશવ શાહે જણાવ્યું કે, અમદાવાદમાં અસર તાત્કાલિક અને તીવ્ર છે. એટીએફના ભાવ વધતાં ચાર્ટર રેટ પ્રતિ કલાક રૂૂ. 2 લાખથી 10 લાખની જગ્યાએ હવે રૂૂ. 2.75 લાખથી 12 લાખ સુધી પહોંચી ગયા છે. જે વિમાનો અગાઉ રૂૂ. 5 લાખથી 5.5 લાખ પ્રતિ કલાકે મળતા હતા, તે હવે રૂૂ. 7 લાખથી 7.5 લાખમાં મળે છે.
આવી સ્થિતિમાં ગુજરાતમાં રોજની ક્ધફર્મ્ડ ચાર્ટર ફ્લાઈટ્સ 12થી 15ની સંખ્યામાંથી ઘટીને માત્ર બે પર આવી ગઈ છે. કોર્પોરેટ એવિએશન સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. કંપનીઓએ ઔરંગાબાદ અને જલગાંવ જેવા સ્થળો માટેની ફ્લાઈટ્સ ઘટાડી દીધી છે, કારણ કે વ્યાપારી ફ્લાઈટ્સની કનેક્ટિવિટી મર્યાદિત છે અને ખર્ચ વધ્યો છે.
ધાર્મિક પ્રવાસ અને હેલિકોપ્ટર ટુરિઝમ પણ અસરમાં આવ્યા છે. સિંગલ-એન્જિન હેલિકોપ્ટરનો પ્રતિ કલાક ભાડો રૂૂ. 1.75 લાખથી વધીને રૂૂ. 2.25 લાખ થયો છે, જ્યારે ડબલ-એન્જિનનો રૂૂ. 3.5 લાખથી વધીને રૂૂ. 4.5 લાખ થયો છે.એવિએશન સેક્ટરના નિષ્ણાત અરુણ લોહિયાએ કહ્યું, વારંવાર ફ્લાઈટ્સ લેનારા લોકો વધેલો ખર્ચ ઝીલી શકતા નથી. કંપનીઓ આર્થિક તણાવમાં છે અને ચાર્ટર ટ્રાવેલને સૌપ્રથમ કાપી નાખે છે. માત્ર મેડિકલ ઈવેક્યુએશન અને રાજકીય મુસાફરી જેવી અનિવાર્ય સેવાઓ જ ચાલુ રહે છે.
પરિસ્થિતિને કારણે ગુજરાતના ચાર્ટર ઓપરેટર્સ મુશ્કેલીમાં મુકાયા છે. વૈશ્વિક ઊર્જા પુરવઠા વ્યવસ્થામાં વિક્ષેપ અને ભૂ-રાજકીય તનાવને લીધે આ વધારો થયો છે, જેની અસર હવે સ્થાનિક સ્તરે પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઓપરેટર્સ આશા રાખે છે કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ સુધરશે તો ભાવમાં રાહત મળશે અને બુકિંગ્સ પુન: વધશે.
આંતરરાષ્ટ્રીય ચાર્ટર ફલાઇટ સાવ બંધ
આંતરરાષ્ટ્રીય ચાર્ટર ઓપરેશન્સ લગભગ બંધ પડી ગયા છે. મિડલ ઈસ્ટ થઈને તુર્કી અને યુરોપ જવાના રૂૂટ પર પાકિસ્તાનના એરસ્પેસ પ્રતિબંધ અને વધેલા ખર્ચને કારણે ફ્લાઈટ્સ લાંબી અને અત્યંત મોંઘી બની ગઈ છે. એક ચાર્ટર ઓપરેટરે કહ્યું, આ રૂૂટ્સ માટેની પૂછપરછ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે.
