શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા ગુનાઓની રોકથામ માટે રાજકોટ પોલીસ હવે ખાનગી ઈઈઝટ કેમેરાને પોતાના સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા થોડા દિવસો પૂર્વે ખાનગી ધોરણે સ્થાપિત ઈઈઝટ કેમેરાને પોલીસની મોનિટરિંગ સિસ્ટમ સાથે જોડવાની કામગીરી અંગે કરેલી ચર્ચા બાદ આ કામગીરી તાત્કાલિક કરવા ભાર મૂક્યો હતો. જેને લઇ રાજકોટ શહેરમાં ખાનગી સીસીટીવી કેમેરાને પોલીસ કંટ્રોલ સાથે જોડવાની કામગીરીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના અલગ અલગ પોલીસ મથકના પી.આઈને આ માટે ખાસ જવાબદારી સોપાઈ છે.અલગ અલગ સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખ અને વેપારી એસોસિએશનના આગેવાનો સાથે પોલીસે આ કામગીરીને લઇ બેઠક શરૂ કરી છે. ટુક સમયમાં ખાનગી ઈઈઝટ કેમેરાને પોતાના સર્વેલન્સ નેટવર્ક સાથે જોડી દેવામાં આવશે.
પોલીસના આ સરાહનીય પગલાથી શહેરો વિસ્તારોમાં રીઅલ-ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધશે અને ગુનાઓનો ભેદ ઝડપથી ઉકેલવામાં મદદ મળશે અને તપાસ વધુ વૈજ્ઞાનિક તથા સચોટ બનશે. આજના આધુનિક યુગમાં સીસીટીવી કેમેરા એ માત્ર ટેકનોલોજીનું સાધન નથી, પરંતુ પોલીસ પ્રશાસન અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે એક અમોઘ હથિયાર સાબિત થઈ રહ્યા છે. વ્યાવસાયિક સ્થળો, શોપિંગ મોલ્સ અને કોમર્શિયલ સંકુલોમાં નિયમ મુજબ સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવામાં આવે છે, પરંતુ હવે રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓ પણ આ ડિજિટલ સુરક્ષા કવચથી સજ્જ થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક અત્યંત સકારાત્મક અને પ્રશંસનીય પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા થોડા દિવસો પૂર્વે ખાનગી ધોરણે સ્થાપિત ઈઈઝટ કેમેરાને પોલીસની મોનિટરિંગ સિસ્ટમ સાથે જોડવાની કામગીરી અંગે કરેલી ચર્ચા બાદ રાજકોટ શહેરી વિસ્તારમાં આવતા એરિયામાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી ડીસીપી રાકેશ દેસાઈ દ્વારા અંગત રસ અને રૂચિ દાખવીને એક વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ વિશેષ ઝુંબેશનો મુખ્ય હેતુ એ છે કે રહેણાંક વસાહતો કે સોસાયટીઓમાં મિલકત ધારકો માત્ર પોતાની વ્યક્તિગત મિલકત પૂરતા જ કેમેરા ન રાખે, પરંતુ સમગ્ર સોસાયટી સુરક્ષિત બને. પોલીસ પ્રશાસન દ્વારા એવો અભિગમ અપનાવવામાં આવ્યો છે કે સોસાયટીના તમામ મુખ્ય માર્ગો, આંતરિક શેરીઓ, મહત્વની મિલકતો તેમજ મુખ્ય એન્ટર-એક્ઝિટ પોઇન્ટ્સ પૂર્ણપણે કવર થાય. આ ઉપરાંત, સોસાયટીના એવા વિસ્તારો કે જ્યાં અંધારું રહેતું હોય અથવા જે ’બ્લેક પોઇન્ટ્સ’ અને ’એક્સિડન્ટ પોઇન્ટ્સ’ તરીકે ઓળખાતા હોય, ત્યાં ખાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી ગુનેગારોને છૂપાવવાની કોઈ જગ્યા ન મળે.
રાજકોટ શહેર પોલીસ ઝોન-2 અંતર્ગત આવતા વિવિધ મહત્વના પોલીસ મથકો જેવા કે માલવીયાનગર, એ-ડિવિઝન, ગાંધીગ્રામ, તાલુકા પોલીસ સ્ટેશન, પ્રદ્યુમનનગર તથા યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં આ પ્રોજેક્ટ પર સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારોમાં સરકારી નિયમો અનુસાર કોમર્શિયલ પ્રોપર્ટી, દુકાનો અને શોપિંગ સંકુલોમાં તો સીસીટીવી ફરજિયાત છે જ અને જ્યાં નિયમભંગ થાય ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ થાય છે. પરંતુ હવે રહેણાંક વિસ્તારોને પણ આ જ તર્જ પર સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક છે. ડીસીપી રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ તમામ સંબંધિત પોલીસ સ્ટેશનોના પી.આઈ ને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારની તમામ સોસાયટીઓ અને રહેણાંક બિલ્ડિંગોના પ્રમુખ અથવા જવાબદાર એસોસિએશનના હોદ્દેદારોને સત્તાવાર પત્ર પાઠવે. માત્ર પત્રવ્યવહાર જ નહીં, પરંતુ પોલીસની એક વિશેષ ટીમ સોસાયટીના હોદ્દેદારોની રૂબરૂ મુલાકાત લેશે.
આ ટીમ નાગરિકોને સમજાવશે કે વર્તમાન સમયમાં સીસીટીવી કેમેરા શા માટે અનિવાર્ય છે. સીસીટીવી એક એવા ’સાયલન્ટ સિક્યુરિટી ગાર્ડ’ તરીકે કામ કરે છે, ખાનગી સીસીટીવી કેમેરાનું પોલીસ કંટ્રોલ સાથે જોડાણ થવાથી પોલીસનું ડિજિટલ સુરક્ષા કવર મજબૂત બનશે, પોલીસના આ સુરક્ષા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે દર મહિને દરેક પીઆઈ પાસેથી પ્રગતિ અહેવાલ મેળવવામાં આવશે કે તેમના વિસ્તારમાં કેટલી નવી સોસાયટીઓમાં કેમેરા ઇન્સ્ટોલ થયા. આ સુરક્ષા મહા-અભિયાનમાં જનતાનો પણ વ્યાપક સહયોગ મળી રહ્યો છે, જે રાજકોટને વધુ સુરક્ષિત અને સ્માર્ટ સિટી બનાવવામાં મહત્વનું યોગદાન આપશે.
