ફેસબુકમાં પ્રિતેશે સોનલ બની યુવક પાસેથી 40.85 લાખ ખંખેર્યા

ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમે યુવતીની ઓળખ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…

ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમે યુવતીની ઓળખ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલોલના એક ઠગે વોઇસ ચેન્જર એપ્લિકેશનનો દુરુપયોગ કરી ’સોનલ ઝાલા’ નામે ફેસબુક આઈડી બનાવી ભોળા યુવકને પ્રેમજાળમાં ફસાવીને રૂૂ. 40.85 લાખથી વધુની રકમ પડાવી લીધી હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના શહેરી વિસ્તારમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા 48 વર્ષીય જિજ્ઞેશભાઈ દેસાઈ પર ગત 12 એપ્રિલ, 2026ના રોજ ’સોનલ ઝાલા’ નામના ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. બીજા દિવસે ફોન પર ગુજરાતી ભાષામાં વાત કરતી મહિલાએ પોતે કાળિયાબીડમાં પરિવાર સાથે રહેતી અને ભંડારીયા ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે ફોન તથા વોટ્સએપ પર નિયમિત વાતચીત શરૂૂ થઈ હતી, પરંતુ સામેવાળી વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરવાનું ટાળવામાં આવતું હતું.

થોડા સમય બાદ માતાને હૃદયની બીમારી હોવાનું જણાવી અમદાવાદમાં સારવાર કરાવવાના બહાને રૂૂ. 45,100 ની માંગણી કરતા જિજ્ઞેશભાઈએ તે રકમ મોકલી આપી હતી. ત્યારબાદ સિહોરની પારિવારિક જમીન વેચતા પોતાના ભાગે રૂૂ. 2 કરોડ આવવાના હોવાનું અને પારિવારિક પ્રશ્નો ઉકેલાયા બાદ નાણાં પરત આપવાનું જણાવી, અલગ-અલગ સમયે જુદા જુદા બહાના હેઠળ રકમ મેળવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન વિવિધ બેંક ખાતાઓમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ સ્વાઈપથી રૂૂ. 1.50 લાખ, ઓનલાઈન ટ્રાન્સફર કરતી દુકાન મારફતે રૂૂ. 8.85 લાખ, રૂૂ. 25 હજાર રોકડા અને રૂૂ. 35 હજારની કિંમતમાં સેમસંગ અ31 મોબાઈલ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે યુવકે કુલ રૂૂ. 4,59,5,600 આપ્યા હતા, જેમાંથી રૂૂ. 3,51,0,00 પરત મળતાં કુલ રૂૂ. 40,85,600 બાકી રહ્યા હતા.

દરમિયાન પરત મળેલી રકમના બેંક વ્યવહારોની તપાસ કરતાં પ્રિતેશ બળવંતરાય રાજગોરનું નામ સામે આવતાં ફરિયાદીને શંકા ગઈ હતી. આ અંગે પૂછપરછ કરતાં પ્રિતેશે સોનલ ઝાલાને ઓળખતો હોવાનું જણાવી કોન્ફરન્સ કોલ પર વાત કરાવી હતી. જોકે, સમગ્ર મામલે ભાંડો ફૂટતા ખબર પડી કે પ્રિતેશે યુવતીના નામે ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી, વોઇસ ચેન્જર એપ્લિકેશન દ્વારા પોતાનો અવાજ બદલીને આ ઠગાઈ આચારી હતી.
આ મામલે આનંદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચેલા પ્રિતેશ રાજગોરે સોનલ ઝાલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી વોઇસ ચેન્જરથી નાણાં પડાવ્યાનું કબૂલ્યું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગત 18 ઓક્ટોબર, 2026ના રોજ નોટરી કરેલા લખાણમાં 30 ઓગસ્ટ સુધીમાં રૂૂ. 3.5 લાખ અને બાકીની રકમ 45 દિવસમાં પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી, છતાં રકમ પરત મળી ન હતી. અંતે કંટાળીને પીડિત યુવકે ગત 22 ઓક્ટોબર, 2026ના રોજ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી છે. જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના રૂૂ. 2,29,90,600 સહિત વિવિધ માધ્યમોથી કુલ રૂૂ. 40,85,600 ની ઠગાઈ થયાનો આક્ષેપ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *