આવતીકાલે સુરતના લિંબાયતમાં સરકારી યોજનાઓની કિટનું વિતરણ અને રોડ-શો, 8મીએ નવસારીમાં મહિલા સંમેલન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગત શનિવારથી ત્રણ દિવસ જામનગર-સોમનાથ અને સાસણની મુલાકાતે આવ્યા બાદ હવે આવતી કાલ તા. 7 માર્ચથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી 7 માર્ચે સુરત પહોંચશે. ત્યાં તેઓ લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે 8 માર્ચે નવસારીમાં મહિલા સંમેલનમાં હાજરી આવશે. સુરતમાં વડાપ્રધાન શુક્રવારે સાંજે પર્વત પાટિયા સ્થિત હેલીપેડ ગ્રાઉન્ડથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો 3 કિલોમીટરનો રોડ-શો પણ યોજનાર હોવાનું જાણવા મળેલ છે.
સુરત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સરકારી યોજનાના લાભાર્થી વૃદ્ધોને કીટનું વિતરણ કરશે. 7 માર્ચની રાત્રે તેઓ સુરતના સર્કિટ હાઉસ ખાતે આરામ કરશે. ત્યારબાદ, 8 માર્ચે, પીએમ મોદી નવસારી પહોંચશે અને વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે. સુરત અને નવસારી બંને જગ્યાએ પીએમ મોદીની વિશાળ જાહેર સભા યોજાશે. પીએમ મોદી 8 માર્ચે નવસારીથી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન બે મોટા કાર્યક્રમોના કારણે વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે અને બન્ને સ્થળે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ કાફલો સુરત અને નવસારી બોલાવાયો છે.
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર રાજ્યના પૂરવઠા વિભાગના પસુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ કાર્યક્રમથ સંદર્ભે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે લિંબાયત ખાતે સમારોહ સ્થળની મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા સંબંધિત આયોજન, પોલીસ બંદોબસ્ત તેમજ પૂર્વતૈયારીઓનો તાગ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, ડીડીઓ શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા પૂરવઠા અધિકારી શ્રી ડી.ડી. શાહ અને ઉચ્ચ અધિકારીઓ મુલાકાતમાં સાથે જોડાયા હતા.
વિકાસ સહાયે સમારોહ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું, કાર્યક્રમ સ્થળે જરૂૂરી સુરક્ષા વ્યવસ્થા વિષે વાકેફ થયા હતા. પોલીસ કમિશનરશ્રીએ કાર્યક્રમ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એક્શન પ્લાનથી તેમને અવગત કર્યા હતા.
સુરત સર્કિટહાઉસમાં યુદ્ધના ધોરણે સજાવટ
સુરતમાં વડાપ્રધાન સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જ્યાં તેઓ રોકાણ કરનાર છે એ રૂૂમ પર જરૂૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. સરકીટ હાઉસની અંદર તથા બહારના ભાગે રંગરોગાન તથા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. ફૂલછોડના કુંડાઓથી પરિસરને વધુ આકર્ષક અને સુસજ્જ બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખ બાબતે છે કે જ્યારે વી વીઆઈપી સુરતના સર્કિટ હાઉસ આવતા હોય છે ત્યારે સર્કિટ હાઉસ ચકાચક કરી દેવામાં આવે છે.
