જૂનાગઢમાં મહાશિવરાત્રી પૂર્વે દબાણો હટાવવાનું શરૂ

ટ્રાફિક અને પાર્કિંગ સહિતની સમસ્યાના નિકાલ માટે તંત્રની કવાયત જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર અને…

ટ્રાફિક અને પાર્કિંગ સહિતની સમસ્યાના નિકાલ માટે તંત્રની કવાયત

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મેળાના સુચારુ આયોજન માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ વર્ષે મેળાને ’મિની કુંભ’ના ધારાધોરણોને ફોલો કરીને આયોજિત કરવાનો હોવાથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી, DYSP અને મનપાના અધિકારીઓની હાજરીમાં મેળાના મુખ્ય રૂૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મેળા દરમિયાન સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને પાર્કિંગની રહેતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધીના માર્ગ પર નડતરરૂૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત ધારાગઢ નજીક આવેલા બે ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, રસ્તા પર નડતરરૂૂપ અન્ય દબાણોને પણ વહેલી તકે દૂર કરવા કડક સૂચના આપવામાં આવી છે, અન્યથા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જૂનાગઢ પ્રાંત અધિકારી ચલણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ વર્ષે શિવરાત્રી મેળો ભવ્ય રીતે યોજાવાનો છે. ભાવિકોને વાહન પાર્કિંગ અને અવરજવરમાં કોઈ અગવડતા ન પડે તે હેતુથી ગિરનાર દરવાજાથી મજેવડી દરવાજા સુધીના રૂૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. દબાણોનો સર્વે કરી નડતરરૂૂપ બાંધકામો હટાવવાની પ્રક્રિયા શરૂૂ છે. મેળાનું આયોજન સુચારુ અને ભવ્ય રીતે થાય તે માટે વહીવટી તંત્ર પૂરી રીતે સજ્જ છે.
તંત્ર દ્વારા હાલમાં મેળાના રૂૂટ પર આવતા તમામ નાના-મોટા દબાણોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પાર્કિંગ લોટ નક્કી કરવા અને મેળાના રૂૂટ પર લાઈટિંગ, પીવાનું પાણી તથા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર આસ્થાના આ મહાપર્વને નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *