લોકમેળાની તૈયારી શરૂ : માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ માટે 20 સમિતિની રચના

ગયા વર્ષના ભીડ અને ટ્રાફિકના ડ્રોન ડેટાનું એનાલિસિસ કરાશે પ્રથમ વખત 108 અને બાઈક એમ્બ્યુલન્સ માટે કોરીડોર બનાવાશે તમામ 20 સમિતિઓને એક અઠવાડિયામાં પ્લાન તૈયાર…

ગયા વર્ષના ભીડ અને ટ્રાફિકના ડ્રોન ડેટાનું એનાલિસિસ કરાશે

પ્રથમ વખત 108 અને બાઈક એમ્બ્યુલન્સ માટે કોરીડોર બનાવાશે

તમામ 20 સમિતિઓને એક અઠવાડિયામાં પ્લાન તૈયાર કરવા આદેશ

રાજકોટની આગવી ઓળખ સમાન અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં લોકોને આકર્ષતા સુપ્રસિદ્ધ પરંપરાગત લોકમેળાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે. આગામી તારીખ 2 સપ્ટેમ્બર થી લઈને 6 સપ્ટેમ્બર સુધી રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય અને જન-મનોરંજનના મહાઉત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળાને સુવ્યવસ્થિત, સલામત અને યાદગાર બનાવવા માટે આજરોજ માનનીય જિલ્લા કલેક્ટર અને લોકમેળા સમિતિના અધ્યક્ષશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સરકારી વિભાગોની એક હાઈલેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સાથે જ મેળાના ભવ્ય આયોજન માટે વહીવટી તંત્રનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે.

ચાલુ વર્ષે વહીવટી તંત્ર અને સ્થાનીય અગ્રણીઓ દ્વારા લોકમેળાને વધુ વિશાળ સ્વરૂૂપ આપવા માટે કાલાવડ રોડ પર સ્થિત ‘ન્યૂ રેસકોર્સ’ (અટલ સરોવર પરિસર) ખાતે યોજવા માટેનો પ્રસ્તાવ અને વ્યાપક પ્લાનિંગ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, ન્યૂ રેસકોર્સ ગ્રાઉન્ડ પર મેળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સમતલીકરણ અને અન્ય સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી અર્થે મંગાયેલી 18 કરોડની વિશેષ ગ્રાન્ટ સમયસર ઉપલબ્ધ ન થઈ શકવાના કારણે, તંત્ર દ્વારા આ વર્ષે પણ પરંપરાગત રીતે જૂના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જ મેળો યોજવાનો આખરી નિર્ણય લેવાયો છે. સરકાર તરફથી આ ગ્રાન્ટ ન મળતા ન્યૂ રેસકોર્સ ખાતે મેળાના આયોજનનો પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કરવો પડ્યો છે, પરંતુ જૂના મેદાનની ભૌગોલિક અનુકૂળતાને લીધે શહેરીજનોમાં આનંદનો માહોલ છે.

આજની કલેક્ટર કચેરી ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લોકમેળાના વિશાળ કદ અને લાખોની જનમેદનીના વ્યવસ્થાપનને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. લોકમેળા સમિતિ દ્વારા કુલ 20 જેટલી વિશેષ સમિતિઓની રચના કરવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ સમિતિઓ પર સીધી દેખરેખ કલેક્ટરની અધ્યક્ષતાવાળી ’સંકલન સમિતિ’ રાખશે. રચવામાં આવેલી મુખ્ય 20 સમિતિઓ નીચે મુજબ છે:

1. સંકલન સમિતિ(સમગ્ર વહીવટ પર સર્વોચ્ચ નિયંત્રણ,અમલીકરણ સમિતિ 3. બાંધકામ સમિતિ (મેદાન તૈયાર કરવા અને પ્લોટિંગ માટે)4. બેઠક વ્યવસ્થા અને પ્રોટોકોલ સમિતિ 5. સાંસ્કૃતિક સમિતિ 6. મુખ્ય કાર્યક્રમ સંચાલન સમિતિ 7. સ્થાયી (ફિક્સ્ડ) સમિતિ 8. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ સમિતિ (ખાણી-પીણીની ગુણવત્તા માટે)9. યાંત્રિક રાઈડ્સ તપાસ સમિતિ (રોલર કોસ્ટર-ચગડોળની સલામતી માટે) 10. સ્ટોલ ફાળવણી અને હરાજી સમિતિ 11. દબાણ હટાવ સમિતિ 12. આરોગ્ય અને મેડિકલ સેવા સમિતિ 13. સફાઈ અને પર્યાવરણ સમિતિ 14. કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા સમિતિ 15. ટ્રાફિક મેનેજમેન્ટ સમિતિ 16. મુખ્ય સેન્ટ્રલ કંટ્રોલ રૂૂમ સમિતિ 17. વીજ પુરવઠા અને લાઇટિંગ સમિતિ 18. પાણી પુરવઠા વ્યવસ્થાપન સમિતિ 19. પ્રચાર-પ્રસાર અને પબ્લિસિટી સમિતિ 20. આકસ્મિક આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર) સમિતિ કલેક્ટરે બેઠકમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તમામ 20 સમિતિઓએ પોતાના ફાળે આવેલી કામગીરીનો એક્શન પ્લાન 20જૂન સુધીમાં તૈયાર કરી લેવો.

આ બેઠકમાં પોલીસ કમિશનર કચેરીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલિકા (કોર્પોરેશન) ના નાયબ કમિશનરશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરો, પીજીવીસીએલના અધિકારીઓ, ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા. મેળાના ગ્રાઉન્ડના પ્લોટિંગ અને સિક્યોરિટી લે-આઉટ તૈયાર કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કલેક્ટરે તમામ સરકારી વિભાગોને આગામી 20 જૂન 206 સુધીમાં પોતાની કચેરીને લગતી મેળાની જરૂૂરિયાતો અને નકશાઓની તમામ વિગતો ફરજિયાતપણે પૂરી પાડવા માટે કડક સૂચના આપી છે જેથી સમયસર આખરી પ્લોટિંગ નકશો મંજૂર કરી શકાય.

લોકમેળામાં ખાસ કરીને સાતમ-આઠમના તહેવારો દરમિયાન લાખોની ભીડ એકઠી થતી હોય છે. ગત વર્ષે લોકમેળામાં સુરક્ષા અને ભીડ નિયંત્રણ માટે ડ્રોન કેમેરા મારફતે સતત વીડિયો મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ વર્ષે બેઠકમાં એવો મહત્વનો નિર્ણય લેવાયો છે કે ગત વર્ષના એ તમામ ડ્રોન ફૂટેજ અને ડેટાનું હાઇટેક એનાલિસિસ (ઝીણવટભર્યું વિશ્ર્લેષણ) કરવામાં આવશે. આ એનાલિસિસ દ્વારા એ શોધવામાં આવશે કે રેસકોર્સ ગ્રાઉન્ડના કયા ચોક્કસ પોઇન્ટ કે એન્ટ્રી-એક્ઝિટ ગેટ પર ભીડનું દબાણ સૌથી વધુ રહે છે, અને મેળા દરમિયાન કયા દિવસે તેમજ કયા સમયે લોકોની અવરજવર પીક લેવલ પર હોય છે. આ સાયન્ટિફિક ડેટાના આધારે આ વર્ષે ટ્રાફિક ડાયવર્ઝન, ભીડ નિયંત્રણ અને વધારાના પોલીસ બંદોબસ્તનું લોજિસ્ટિક પ્લાનિંગ વધુ મજબૂત અને ક્ષતિરહિત બનાવવામાં આવશે.

કોઈપણ મેળામાં સૌથી મોટો પડકાર ઇમરજન્સી મેડિકલ સહાય પહોંચાડવાનો હોય છે. ગત વર્ષોની ઘટનાઓમાંથી પાઠ ભણીને આ વખતે તંત્ર કટોકટી વ્યવસ્થાપન બાબતે અત્યંત ગંભીર છે. જો મેળાના ગ્રાઉન્ડ પર કોઈ અનિચ્છનીય બનાવ બને, આગ ફાટી નીકળે અથવા કોઈ દર્દીને અચાનક હાર્ટ એટેક જેવી મેડિકલ કટોકટી ઊભી થાય, તો ન્યૂનતમ સમયમાં (ઓછામાં ઓછા રિસ્પોન્સ ટાઈમમાં) સારવાર મળી રહે તે માટે ખાસ આયોજન કરાયું છે.

મેળા ગ્રાઉન્ડની અંદર અને તેની આસપાસના રસ્તાઓ પર એક સમર્પિત ’ઇમરજન્સી કોરિડોર’ રાખવામાં આવશે. આ રૂૂટ હંમેશા ખાલી રાખવામાં આવશે જેથી 108 એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર કે પોલીસ વાહનો કોઈપણ અવરોધ વિના ઘટનાસ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી શકે.બાઈક એમ્બ્યુલન્સની તૈનાતી: અતિશય ભીડભાડ વાળા વિસ્તારો અથવા સાંકડી ગલીઓ વચ્ચે મોટી ફોર-વ્હીલર એમ્બ્યુલન્સનું પહોંચવું અશક્ય બની જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે, પ્રાથમિક સારવાર કીટ અને ઓક્સિજન સિલિન્ડરથી સજ્જ ’બાઈક એમ્બ્યુલન્સ’ ની વિશેષ સુવિધા ઊભી કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી છે, જે ભીડની વચ્ચેથી પણ દર્દી સુધી તુરંત પહોંચી પ્રાણરક્ષક સારવાર આપી શકે. મેળામાં કાર્યરત તમામ મુખ્ય વિભાગો (જેવા કે પાવર, ફાયર, હેલ્થ, પોલીસ) પોતાની એક સ્વતંત્ર ચછઝ એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રાખશે.

રાઈડ્સની SOPનું 100 ટકા પાલન કરવું ફરજિયાત
બીજી તરફ, ગત વર્ષોમાં રાઈડ્સ અને ચગડોળ સંચાલકો તેમજ ટિકિટના દરો બાબતે જે મોટા વિવાદો અને અકસ્માતોની ભીતિ સર્જાઈ હતી, તેને રોકવા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ વખતે તમામ રાઈડ્સ સંચાલકો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન્સનું પાલન કરવું 100% ફરજિયાત રહેશે.વહેલી હરાજી અને ફિટનેસ ચેકિંગ: પ્લોટની ફાળવણી અને હરાજીની પ્રક્રિયા ગત વર્ષની સરખામણીએ ઘણી વહેલી પૂર્ણ કરવામાં આવશે, જેથી સંચાલકોને તૈયારીનો પૂરતો સમય મળે. મિકેનિકલ અને ઓથોરાઈઝ્ડ ઈજનેરો દ્વારા દરેક રાઈડનું કડક ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ, મેળો શરૂૂ થવાના 24 કલાક પહેલાં જ આખરી મંજૂરી અપાશે. સર્ટિફિકેટ વિના એક પણ ચગડોળ ચલાવવા દેવામાં આવશે નહીં.

સિંગલ કંટ્રોલ રૂમથી બાજ નજર રખાશે
જુદા જુદા સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલનના અભાવે ભૂતકાળમાં તકલીફો પડી હોવાનું સામે આવ્યું છે. આથી, આ વર્ષે રેસકોર્સ મેદાન પર જ એક સિંગલ ’કોમન કંટ્રોલ રૂૂમ’ બનાવવામાં આવશે. આ મુખ્ય કંટ્રોલ રૂૂમમાં રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ વિભાગ, પીજીવીસીએલ (વીજ કંપની) અને ફાયર સર્વિસના જવાબદાર કંટ્રોલ અધિકારીઓ 24 કલાક સાથે બેસશે, જેથી કોઈપણ આપત્તિ કે સમસ્યા સમયે તમામ વિભાગો સંયુક્ત રીતે ત્વરિત એક્શન લઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *