ગુજરાત રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને વેગ આપતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, આગામી 23 માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત રાજ્યના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વોર્ડ મુજબ યાદી તૈયાર કરી દેવામાં આવી છે, જેથી સચોટ અને પારદર્શક મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરી શકાય. આયોગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને સંબંધિત સત્તાધિકારીઓને આ બાબતે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા સૌ પ્રથમ મુસદ્દારૂૂપ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેના પર વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા બાદ આખરી યાદી જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયા લોકશાહીના પર્વને પારદર્શક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા વહીવટી તંત્રને આદેશ આપ્યા છે કે મતદાર યાદીમાં કોઈ પણ ક્ષતિ ન રહે અને લાયક મતદારોના નામ છૂટી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે. આ વહીવટી સજ્જતા સૂચવે છે કે ચૂંટણી પંચ હવે ગમે તે ક્ષણે લોકશાહીના આ જંગનું રણશિંગુ ફૂંકવા માટે તૈયાર છે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, માર્ચ મહિનાના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર થવાની પ્રબળ શક્યતા છે. મતદાર યાદીની કામગીરી પૂર્ણ થતાની સાથે જ આચારસંહિતાનો અમલ શરૂૂ થઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પ્રકારે ગતિશીલતા બતાવવામાં આવી રહી છે, તે જોતા એપ્રિલ અથવા મે મહિનામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન હોય તેવું જણાય છે. આ સમાચારને પગલે તમામ રાજકીય પક્ષોમાં ઉત્સાહ અને તૈયારીઓનો દોર શરૂૂ થઈ ગયો છે.
