પ્રફુલ્લ હિંગેનું તાંડવ, હૈદરાબાદની રાજસ્થાન સામે 57 રને શાનદાર જીત

ઇશાન કિશનની 91 રનની દમદાર ઇનિંગ, શાકિબ હુસેનની પણ ચાર વિકેટ ઈશાન કિશનની તોફાની બેટિંગ બાદ ડેબ્યુટન્ટ પ્રફુલ્લ હિંગે અને શાકિબ હુસૈનની ઘાતક બોલિંગથી સનરાઈઝર્સે…

ઇશાન કિશનની 91 રનની દમદાર ઇનિંગ, શાકિબ હુસેનની પણ ચાર વિકેટ

ઈશાન કિશનની તોફાની બેટિંગ બાદ ડેબ્યુટન્ટ પ્રફુલ્લ હિંગે અને શાકિબ હુસૈનની ઘાતક બોલિંગથી સનરાઈઝર્સે રાજસ્થાન રોયલ્સને 57 રનથી હરાવી દીધા છે. આઈપીએલ 2026ની 21મી મેચમાં રાજસ્થાન રોયલ્સના કપ્તાન રિયાન પરાગે ટોસ જીતી સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલા બેટિંગ કરાવી બોલાવી હતી. પહેલા બેટિંગ કરતા સનરાઈઝર્સે ઈશાન કિશનની 91 રનની શાનદાર ઈનિંગ્સના દમ પર 20 ઓવરમાં 216 રનનો સ્કોર ઊભો કર્યો.

તેના જવાબમાં રાજસ્થાનની ટીમ 19 ઓવરમાં 159 રન જ બનાવી શકી. આવી રીતે સનરાઈઝર્સની ટીમે આ સિઝનમાં પોતાની બીજી જીત સાથે રાજસ્થાન રોયલ્સના વિજયી અભિયાનને રોકી દીધું છે. રાજસ્થાનની પાંચ મેચોમાંથી આ પહેલી હાર છે. વળી ઈશાન કિશનની આગેવાનીવાળી સનરાઈઝર્સ ફરી એક વાર જીતના પાટા પર પરત ફરતી દેખાઈ રહી છે.

સનરાઈઝર્સ વિરુદ્ધ 217 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ પહેલી જ ઓવરમાં બેકફૂટ પર આવી ગઈ. ટીમના યુવાન વૈભવ સૂર્યવંશીએ ઈનિંગ્સના બીજા જ બોલ પર પ્રફુલ્લ હિંગે વિરુદ્ધ પોતાની વિકેટ ખોઈ દીધી. વૈભવ બાદ એ જ ઓવરમાં ધ્રુવ ઝુરેલ અને ડ્વેન પ્રીટોરિયસને પણ ચાલતા કરી દીધા.

આ ત્રણેય બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં. પ્રફુલ્લની પહેલી ઘાતક બોલિંગને જોઈ રાજસ્થાનની ટીમ ઊભી થઈ શકી નહીં. બીજા ડેબ્યુટન્ટ શાકિબ હુસૈને યશસ્વી જાયસવાલને આઉટ કરી દીધો. ત્યાર બાદ પોતાના સ્પેલની બીજી ઓવર કરવા આવેલા પ્રફુલ્લે રાજસ્થાનના કપ્તાન રિયાન પરાગને ચાલતો કર્યો.

10 રનની અંદર 5 વિકેટ ગયા બાદ એવું લાગતું હતું કે રાજસ્થાનની ટીમ માંડ 50 રનના આંકડાને પાર કરશે, પણ મિડલ ઓર્ડરમાં ટીમ માટે રવિન્દ્ર જાડેજા અને ડોનોવન ફરેરાએ મળીને સ્કોરને 100ને પાર પહોંચાડી દીધો. રાજસ્થાન માટે ફરેરાએ 44 બોલમાં 69 રનની ઈનિંગ્સ રમી. પોતાની આ ઈનિંગ્સમાં તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા પણ લગાવ્યા. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ 32 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું. આ બંને ઉપરાંત માત્ર તુષાર દેશપાંડે રાજસ્થાન તરફથી ડબલ ડિજિટમાં રન બનાવી શક્યો.

સનરાઈઝર્સ માટે બોલિંગમાં પ્રફુલ્લ હિંગે અને શાકિબ હુસૈને પોતાની દમદાર બોલિંગથી કહેર મચાવ્યો. આ બંને ખેલાડીઓએ સનરાઈઝર્સ માટે પોતાનું આઈપીએલ ડેબ્યૂ કર્યું છે. પ્રફુલ્લે સનરાઈઝર્સ માટે ચાર ઓવરના સ્પેલમાં 34 રન આપીને 4 વિકેટ લીધી. તો વળી શાકિબે હૈદરાબાદની ટીમમાં ડેબ્યૂ કરતા 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી.

 

પ્રફુલ્લ હિંગેએ ઇતિહાસ રચ્યો, ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપી
સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલમાં ડેબ્યૂ કરનારા 24 વર્ષના ફાસ્ટ બોલર પ્રફુલ્લ હિંગેએ પહેલી જ ઓવરમાં રાજસ્થાન રોયલ્સને ઘૂંટણીયે લાવી દીધી. પ્રફુલ્લે પોતાની ઘાતક બોલિંગથી સૌથી પહેલા વૈભવ સૂર્યવંશીને પોતાનો શિકાર બનાવ્યો. વૈભવ બાદ રાજસ્થાનની ટીમ લયમાં આવે તે પહેલા પ્રફુલ્લે ધ્રુવ ઝુરેલને પણ ચાલતો કર્યો. આઈપીએલ કરિયરમાં પોતાની પહેલી જ ઓવરના અંતિમ બોલ પર ડ્વેન પ્રીટોરિયસને પણ આઉટ કરી ઈતિહાસ રચી દીધો. પ્રફુલ્લ આઈપીએલ ઈતિહાસનો પહેલો એવો ખેલાડી બની ગયો છે. જેણે પોતાની ડેબ્યૂ મેચની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લેવાનું કામ કર્યું છે. પ્રફુલ્લ વિરુદ્ધ પહેલી ઓવરમાં આઉટ થનારા ત્રણેય બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી. આવા સમયે આવો જાણીએ કોણ છે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો આ ઘાતક ખેલાડી. 24 વર્ષના પ્રફુલ્લ હિંગે ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે. પ્રફુલ્લે વર્ષ 2024માં વિદર્ભ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ગત રણજી ટ્રોફી સીઝનમાં પ્રફુલ્લે પોતાની ઘાતક બોલિંગથી સનસનાટી મચાવી દીધી હતી. આવા સમયે સનરાઈઝર્સના સ્કાઉટિંગે તેને ખાલી 30 લાખના બેઝ પ્રાઈઝ પર પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પ્રફુલ્લ હિંગેને આ સીઝનની પહેલી ચાર મેચમાં મોકો નથી મળ્યો. પણ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પોતાની ડેબ્યૂ મેચમાં જ તેણે સનરાઈઝર્સ તરફથી ધૂમ મચાવી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *