હરિધામ શોખડા વિવાદમાં પ્રબોધ સ્વામી જૂથની હાઇકોર્ટમાં પીછેહટ: અપીલ પાછી ખેંચી

હરિધામ-સોખડાથી અલગ થઈને વચગાળાની રહેણાંક વ્યવસ્થા સમાપ્ત થઇ ગઈ હોવા છતાં કાનૂની દાવપેચ અજમાવીને આત્મીય વિદ્યાધામ, બાકરોલમાં રહેતાં પ્રબોધજીવન જુથને ગુજરાત હાઇકોર્ટમાંથી વધુ એક નિષ્ફળતા…

હરિધામ-સોખડાથી અલગ થઈને વચગાળાની રહેણાંક વ્યવસ્થા સમાપ્ત થઇ ગઈ હોવા છતાં કાનૂની દાવપેચ અજમાવીને આત્મીય વિદ્યાધામ, બાકરોલમાં રહેતાં પ્રબોધજીવન જુથને ગુજરાત હાઇકોર્ટમાંથી વધુ એક નિષ્ફળતા મળી છે.

ટ્રસ્ટ પાસે રહેણાંક અને ભરણપોષણનાં ખાનગી તેમજ વ્યક્તિગત અધિકાર માટે તથા વચગાળાની રહેણાંક વ્યવસ્થા કાયમી કરવા અથવા તો લંબાવી આપવાની દાદ માંગતી અપીલ ગુજરાત હાઇકોર્ટમાંથી કોર્ટનું વલણ જોઇને પરત ખેંચવી પડી છે. આ પહેલાં સપ્ટેમ્બર 2023માં આણંદના સિનિયર સિવિલ જજે તેમના વિસ્તૃત ચુકાદામાં બાકરોલમાં વચગાળાની વ્યવસ્થા હેઠળ રહેતા કેટલાક લોકોનાં પ્રતિનિધિ તરીકે કરવામાં આવેલ દિવાની દાવામાં કોઈ રાહત કે વચગાળાનો આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. સિનિયર સિવિલ જજના આદેશની સામે આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રબોધજીવન જુથ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જે એડી. ડિસ્ટ્રિક્ટ જજે ફગાવી દીધા બાદ હાઇકોર્ટમાં આ અપીલ કરવામાં આવી હતી. જે પરત ખેંચવામાં આવતાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સિનિયર સિવિલ જજદ્વારા થયેલ ઓર્ડર માન્ય રહ્યા છે.

આમ, હરિધામ સોખડાનાં ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓ સામેની કાનૂની લડાઈમાં પ્રબોધજીવન જુથને વધુ એક નિષ્ફળતા મળી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી-2024માં ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરનાર પ્રબોધજીવન જુથે તેમના તરફે દસ જેટલા વકીલો રોક્યા હતા અને સુનાવણી સમયે કોઈને કોઈ કારણો દર્શાવીને સુનાવણી મોકૂફ રાખવાની સાથે પોતાની વચગાળાની રહેણાંક વ્યવસ્થા લંબાય તેવા પ્રયત્નો કર્યા હતા.

હાઇકોર્ટમાં સાત જેટલા ન્યાયમૂર્તિઓએ કોઇને કોઇ કારણસર પોતાને આ કેસથી અલગ કર્યા હતા. વરિષ્ઠ ધારાશાસ્ત્રી સુધીર નાણાવટીએ અરજદારોની સુનાવણી મોકૂફ રખાવવાની માનસિકતા અંગે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું. પરિણામે, જસ્ટીસ નિરલ મહેતાએ કડક વલણ અખત્યાર કરીને હવે પછીની મુદતે સુનાવણી મોકૂફ રાખવા માટેનાં કોઈ જ કારણ ધ્યાનમાં લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ કરતો હુકમ કરેલ હતો. ત્યારબાદ જસ્ટીસ મહેતાએ સુનાવણી હાથ પર લેતાં કોર્ટનું વલણ જોઇને પ્રબોધ જુથે 37મી મુદતમાં અપીલ પરત ખેંચવાની પરવાનગી માંગી હતી. ત્યારબાદ અપીલ બિનશરતી પરત ખેંચવાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે જસ્ટીસ નિરલ મહેતાએ 11 ઓગસ્ટે કેસનો નિકાલ કર્યો હતો. આમ, હવે પ્રબોધ જૂથ માટે આત્મીય વિદ્યાધામની કામચલાઉ રહેણાંક વ્યવસ્થા ચાલુ રાખવા માટે કોઈ જ કાયદાકીય રક્ષણ રહ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *